મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વર: માટીએડ ગામમાં પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકીને પ્રેમિકાની કરી હત્યા

Ankleshwar News : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામમાં એક જ ફળીયા રહેતા પ્રેમીએ પ્રે

અંકલેશ્વર: માટીએડ ગામમાં પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકીને પ્રેમિકાની કરી હત્યા

Ankleshwar News : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામમાં એક જ ફળીયા રહેતા પ્રેમીએ પ્રેમિકાની  કુહાડીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બંને પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા

અંકલેશ્વરના માટીએડ ગામે રહેતા 38 વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. સુશીલાબેનને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન  ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચાલવી રહ્યા હતા. દરમ્યાન તેઓને ફળીયામાં રહેતા અને ખેત મજૂરીકામ કરતા કાલીદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમસંબંધ દરમ્યાન કાલીદાસ વસાવા અવાર-નવાર ઘરે આવતો હતો.

લાકડા કાપવા આવવાની ના કહેતા કાલીદાસે સુશીલાની હત્યા કરી નાખી 

કાલીદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું અને આ બાબતે બંન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. દરમ્યાન તા 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલીદાસ વસાવા કુહાડી લઇ સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું. સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની  ના પાડતા કાલીદાસને તે ગમ્યું ન હતું, જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરાછાપરી ઘા મારતા સુશીલાબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતા સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બુમાબુમ કરતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા, જો કે હત્યારો કાલીદાસ હત્યા કરીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી

અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલીદાસ વસાવાની ધરપકડ કરી હતી. 

આ સમાચાર શેર કરો