આણંદ: વૃદ્ધ ફઈ પર સગા ભત્રીજા અને તેના મિત્રે દુષ્કર્મ આચર્યું, મહિલાની હત્યા કરીને ઘરમાં મચાવી લૂંટ
આણંદના મોગરી ગામે એકલા રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસીને વૃદ્ધાના ભત્રીજા અને તેના મિત્રએ દુષ્કર

આણંદના મોગરી ગામે એકલા રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસીને વૃદ્ધાના ભત્રીજા અને તેના મિત્રએ દુષ્કર્મ આચરી, દોરી જેવી વસ્તુથી વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી, વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી અને મોબાઈલની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આણંદ એલસીબી અને વિદ્યાનગર પોલીસે બંને આરોપીઓની અટકાયત કરતા બંનેએ ગુનો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે લૂંટ કરેલો મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બળજબરીપૂર્વક બન્ને શખ્સો વૃદ્ધા પર તૂટી પડ્યા
વૃદ્ધા ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરીને સુઈ ગયાં હતાં. જોકે, તેમના ઘરના પાછળના ભાગે આવેલો દરવાજો ખૂલ્લો રહી ગયો હતો. ત્યારે રાત્રે સાડા નવ વાગ્યા બાદ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી વૃદ્ધા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં દોરી જેવી વસ્તુથી વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી અને એક મોબાઈલ મળી કુલ રૂ.૫૧,૫૦૦ની મત્તાની લૂંટ કરી શખ્સ ફરાર થઈ ગયો હતો.
વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારી, ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું
આ અંગે બીજા દિવસે બપોરે સ્થાનિકોને જાણ થતાં તેમણે વિદ્યાનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વૃદ્ધાની લાશનો કબ્જો મેળવી પીએમ માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવતા, વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારી, ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.વિદ્યાનગર પોલીસે આ અંગે ગત બુધવારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. બાદમાં આણંદ એલસીબી અને વિદ્યાનગર પોલીસે સ્થળ તપાસ કરી હતી. જેમાં જૂદા જૂદા વ્યક્તિઓની પુછપરછ કરતા બે શકમંદોના નામ જણાઈ આવ્યા હતા.
આ પણ વાંચો: ભાવનગર: CBI અધિકારીની ખોટી ઓળખ આપી બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરનાર ઝડપાયો, આરોપી નીકળ્યો દુકાનદાર
જેના આધારે એલસીબીએ વિરસદ ગામેથી ઈમ્તિયાઝ ઈકબાલભાઈ રાઠોડ (ઉં.વ.૨૩)ને લૂંટેલા મોબાઈલ સાથે ઝડપી પાડયો હતો. જેની સઘન પુછપરછમાં તેના મિત્ર ચિરાગ ઠાકોરભાઈ ચૌહાણ (ઉં.વ.૨૭, રહે. કસુંબાડ) સાથે મળી દુષ્કર્મ આચરી હત્યા કરી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. જેથી વિદ્યાનગર પોલીસે ચિરાગને ગુરૂવારે ઝડપી પાડયો હતો. મૃતક વૃદ્ધા ચિરાગના ફઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ બોરસદના કસુંબાડમાં રહેતા હોવાનું અને લાકડાના પીઠામાં મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અંધારિયા ખાતે લાકડાના પીઠામાં મજૂરી કરી બંને મિત્રો સીધા મોગરી ગામ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.






