આણંદ: યુવાને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ઉભો કર્યો ભયનો માહોલ, LCBએ શખ્સને ઝડપીને કરી કાર્યવાહી
દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનત

દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનતા આણંદની બિસ્મિલ્લા સોસાયટીમાં શખ્સે ઉત્સવ મનાવવા દેશી પિસ્ટલથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. બનાવની જાણ થતાં એલસીબીએ દરોડો કરી શખ્સને બે પિસ્ટલ, ચાર જીવતા કારતુસ અને બે ફૂટેલા કારતુસ સાથે ઝડપી પાડયો હતો. LCBની ફરિયાદના આધારે શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દેશી પિસ્ટલથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા
ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય થતાં આણંદ જિલ્લામાં ઠેર ઠેર ક્રિકેટ રસિયાઓ જાહેર માર્ગો પર ઉત્સવ મનાવી રહ્યા હતા. તેવામાં આણંદના ઈસ્માઈલનગરની બિસ્મિલ્લા સોસાયટી નજીક કેટલાક યુવકોએ ફટાકડા ફોડયા હતા. જોકે, મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી અબ્દુલ કાદર શેખે વિજયના ઉન્માદમાં દેશી પિસ્ટલથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
LCBએ મોહમ્મદ યાસીનને ઝડપી તેના ઘરમાં દરોડા પાડ્યા
આ અંગે આણંદ LCBની ટીમને જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. LCBએ મોહમ્મદ યાસીનને ઝડપી તેના ઘરમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન તપાસ કરતા તિજોરીમાંથી બે દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા. તેમજ એફએસએલની મદદથી એલસીબીએ બે ફૂટેલા કારતુસ પણ શોધી કાઢ્યા હતા. એલસીબીએ તમામ મુદ્દામાલ જપ્ત કરી શખ્સની પૂછપરછ કરતા દેશી બનાવટની પિસ્ટલ અને ૬ જીવતા કારતુસ મધ્યપ્રદેશથી કોઈ અજાણ્યા શખ્સ પાસેથી રૂ. ૪૫ હજારમાં લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.એલસીબીની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે મહંમદ યાસીન વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.






