Video: ૭૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ ૫૦ હજાર મણ મગફળીની રેકોર્ડબ્રેક આવક!

સાવરકુંડલા APMCમાં રચાયો ઇતિહાસ
૭૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ ૫૦ હજાર મણ મગફળીની રેકોર્ડબ્રેક આવક!
સાવરકુંડલા યાર્ડ મગફળીથી છલોછલ છલકાયું
અમરેલી જિલ્લાના વેપારી મથક સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાંથી ખેતી અને બજારને લગતા અત્યંત ઉત્સાહવર્ધક અહેવાલ સામે આવ્યા છે. સાવરકુંડલા એપીએમસી (APMC) ની સ્થાપનાના ૭૦ વર્ષના દીર્ઘ ઇતિહાસમાં પ્રથમ વખત આજે ૫૦ હજાર મણ કરતાં પણ વધારે મગફળીની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક આવક જોવા મળી છે. દિવાળીના પાવન તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ખેડૂતો અને ખેતમજૂરોને ચૂકવણાં કરવા તથા નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની માલ-જણસ લઈને મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડ્યા છે. યાર્ડમાં હાલમાં આગતરા વાવેતરની ઉત્તમ ગુણવત્તાવાળી મગફળીના ભાવ પ્રતિ મણ રૂ. ૧૪૦૦ થી ૧૬૦૦ સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે પાછોતરા વાવેતરની મગફળીના ભાવ રૂ. ૧૨૦૦ થી ૧૪૦૦ સુધી મળી રહ્યા છે. સાવરકુંડલા યાર્ડમાં વેપારીઓ દ્વારા સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ પોષણક્ષમ ભાવ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, અહીં તોલમાપ અને હરાજીની કામગીરી અત્યંત ઝડપી અને પારદર્શક હોવાથી માત્ર સાવરકુંડલા જ નહીં, પરંતુ ગીર સોમનાથના ઉના, કોડીનાર તેમજ ભાવનગરના મહુવા અને ગારિયાધાર પંથકના ખેડૂતો પણ માલ વેચવા સાવરકુંડલા પહોંચ્યા છે.
દિવાળી પૂર્વે માર્કેટિંગ યાર્ડમાં ચારે તરફ જોવા મળ્યા મગફળીના ઢગલે-ઢગલા!
જગ્યાના અભાવે આગામી સૂચના સુધી નવી મગફળી ન લાવવા ખેડૂતોને વિનંતી!
યાર્ડના ચેરમેન દીપક માલાણી અને વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, વિશાળ પરિસરમાં ચારે તરફ મગફળીનો જંગી જથ્થો ખડકાઈ ગયો છે. ગ્રાઉન્ડ પર ૫૦ હજાર મણ કરતાં વધુ મગફળીની હરાજી થઈને પડી હોવાના કારણે નવાં વાહનો ખાલી કરવા કે માલ ઉતારવા માટે એક પણ ઈંચ જગ્યા બચી નથી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે યાર્ડ સત્તાધીશોએ માઇક અને અપીલ દ્વારા ખેડૂતોને વિનંતી કરવી પડી છે કે જ્યાં સુધી નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખેડૂતોએ નવી મગફળી યાર્ડમાં લાવવી નહીં. સાવરકુંડલા APMCમાં સર્જાયેલો આ ઇતિહાસ સાબિત કરે છે કે યોગ્ય ભાવ અને ઝડપી વહીવટી પ્રક્રિયા મળે તો ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ જ સૌથી મોટો સહારો બને છે. દિવાળી ટાણે જ ખેડૂતોને પોતાની કાળી મજૂરીનો સાચો અને ઉચ્ચ ભાવ મળતાં ગ્રામીણ અર્થતંત્રમાં પણ નવો પ્રાણ પૂરાયો છે. વહીવટી તંત્ર દ્વારા હરાજી થયેલા માલનો ઝડપથી નિકાલ કરીને ફરીથી આવક શરૂ કરવામાં આવશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી















