અમરેલી 'લેટરકાંડ'/ કાર્યવાહીથી લઈ ડેમેજ કંટ્રોલ સુધી, યુવતીના બંધારણીય અધિકારોના હનનનો હિસાબ કોણ આપશે?
અમરેલીમાં લેટરકાંડનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાટીદાર યુવતીનું કથિ

અમરેલીમાં લેટરકાંડનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાટીદાર યુવતીનું કથિત રીતે જાહેરમાં સરઘસ કાઢ્યું હોવાથી મામલો વકર્યો હતો. અહીં અમે કથિત શબ્દ એટલે વાપરી રહ્યા છીએ કારણ કે પોલીસે આ મામલે પોતાની સ્પષ્ટતામાં રિકન્સ્ટ્રક્શન કર્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ ઘટનાથી જે રીતે યુવતીની ઓળખ છતી થતાં તેના કાયદાકીય, રાજકીય અને સામાજિક દૃષ્ટિએ મોટા પડઘા પડ્યા છે.
આરોપી બનાવવામાં ઉતાવળ કેમ?
વાત તો એવી પણ જાણવા મળી હતી કે, આ ઘટના દરમિયાનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને તેમાં બેકગ્રાઉન્ડમાં 'મોર બોલે' (જે મીમ્સ વીડિયો બનાવવા માટે કોરોનાકાળ દરમિયાન પોલીસના લાઠીચાર્જનો ભોગ બનતા લોકોના વાયરલ વીડિયો માટે લોકો વાપરતા હતા) ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો. પછી એકાએક વાત વણસી જતા તેને કોઈ રીતે કન્ટ્રોલમાં કરી દેવાયું, રાજકીય મુખે થતી ચર્ચા પ્રમાણે 'આવું એટલા માટે કારણ કે તેનાથી પોલીસ કથિત રીતે જે નેતાની ચાપલુસી કરી રહી હતી, તે નેતાની સામાજિક દૃષ્ટિએ બદનામી થઈ રહી છે.' આ મુદ્દો ત્યારે વધારે ગરમાયો જ્યારે તેમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની એન્ટ્રી થઈ. પાટીદાર યુવતી નિર્દોષ હતી તો તેની સામે ફરિયાદ દાખલ કરવામાં, કથિત રીતે મોડી રાત્રે ધરપકડ કરવામા ઉતાવળ કેમ કરવામા આવી? પોલીસ આ બાબતે કોઈ સ્પષ્ટતા આપી શકી નથી. કોર્ટે જામીન અરજીની સુનાવણી દરમિયાન પોલીસને આ મામલે ઝાટકી હોવાનું પણ સામે આવ્યું છે.
જેની ઠુમ્મરે ઉઠાવ્યો હતો અવાજ
અમરેલી જિલ્લામાં એક અઠવાડિયાથી ચાલતા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના નકલી લેટરકાંડમાં કોંગ્રેસે બળતામાં ઘી હોમી લોકોનું ધ્યાન યુવતી સાથે થયેલા અન્યાય તરફ દોર્યું. કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા મામલાએ વેગ પકડ્યો. જેની ઠુમ્મરે યુવતી સાથે અને તેના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી. તો સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પાટીદાર અગ્રણી નરેશ પટેલને પત્ર લખી મામલાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તો કેટલાક પાટીદાર આગેવાનો પણ મેદાને આવ્યા હતા.
વેકરિયા સામે અંદરખાને અસંતોષ?
હકીકતમાં કાયદાકીય પ્રક્રિયા દરેક માટે એક સમાન હોવી જોઈએ પરંતુ આ કેસમાં આરોપીઓ પર જે પ્રમાણે ગુનાનો આરોપ લાગ્યો છે એ જોતા કાયદાની દૃષ્ટિએ જે કાર્યવાહી કરવાની થતી હોય એ કરવી જ જોઈએ. કોઈ નિર્દોષ વ્યક્તિ તેમાં ખોટી રીતે ફસાઈ ના જાય એની કાળજી રાખવી જોઈએ. પાટીદાર સમાજના આગેવાનો સહિત ભાજપના મોટા ગજાના નેતાઓ આ યુવતીને ન્યાય અપાવવાના મુડમાં જોવા મળ્યા, ન્યાયની વાત ત્યાં થાય જ્યાં અન્યાય થયો હોય તો શું પોલીસ દ્વારા કોઈ રીતે ઉતાવળ કરી યુવતીને આ કેસમાં આરોપી બનાવી અન્યાય કરવામા આવ્યો હશે? નવાઈની વાત એ છે કે વેકરિયા વિરુદ્ધ 'નકલી લેટર' વાયરલ કરવામાં આવ્યો હતો એ પણ ભાજપના જ કાર્યકર હતા. રાજકીય મુખે ચર્ચા છે કે, અંદરખાને વેકરિયા સામે અમરેલી ભાજપમાં ક્યાંક તો અસંતોષ હશે. વિપક્ષ એકાએક એક્ટિવ થતા ભાજપ ડેમેજ કન્ટ્રોલમાં આવી ગયો હોય એવી સ્થિતિ જોવા મળી. કારણ કે વાત પાટીદાર સમાજની હતી. મજબૂત સમાજ સરકાર ગમે તે હોય પ્રેશર ઉભુ કરી જ શકે, પણ જો કોઈ ઓછી શક્તિવાળા સમાજનો દીકરો કે દીકરી હોત તો શું થાત?
અધિકારોના હનનો હિસાબ કોણ આપશે?
ફરિયાદથી લઈ ધરપકડ, રિમાન્ડ અને જામીન સુધીની પ્રક્રિયા જે ઝડપે થઈ એ આખી વાતમાં પાટીદાર યુવતીને નિર્દોષ સાબિત કરવામાં લેટરકાંડના આક્ષેપોને સાઈડલાઈન કરાઈ રહ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે. પોલીસે જે રીતે રિકન્સ્ટ્રક્શન દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતી યુવતીની ઓળખ છતી કરી, કથિત રીતે રાત્રે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા એ સંપૂર્ણ પ્રક્રિયા સામે સવાલ ઉઠી રહ્યા છે. મહિલા આરોપીને ઓળખ છુપાવવાનો અધિકાર હોય છે, એ અધિકારનું અહીં ખંડન થતા તેના પડઘા ફક્ત પાટીદાર સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજમાં પણ પડ્યા છે. સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે, મોટા-મોટા બુટલેગરો અને ખનન માફિયાઓ બેફામ થઈને ફરી રહ્યા છે પરંતુ પોલીસને આ મામલે કોઈ ચિંતા છે કે કેમ? આ ઘટનાથી એકાએક જે રીતે સ્થિતિનું નિર્માણ થયું તેનું ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરુપે સંપૂર્ણ પ્રયાસો કરવામા આવ્યા.
યુવતીના પિતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
યુવતીના પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે 'મારી દિકરીને બીજા દિવસે જામીન ન મળ્યા, હું અમરેલી જેલ પર હતો. ત્યારે મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે, તમે શીતલ રોડે આવો. હું ગયો તો ત્યાં 4-5 વ્યક્તિ બેઠા હતા. તેમણે મને કહ્યું કે અમે કહીએ એમ તમે કહો એટલે દીકરીને જામીન મળી જશે. ત્યાં ચેતનભાઈ નામના માણાવદરના ભાઈ હતા એમણે મને કહ્યું, તમે કૌશિકભાઈના ફેવરમાં વીડિયો બનાવો તો તમારી દીકરી કાલે છૂટી જશે. આવું મારી પાસે બોલાવડાવ્યું પણ ખરું અને સહાય પણ ના કરી.' જો આ આક્ષેપો સાચા હોય તો, કોણ હતા આ 4-5 લોકો અને તેમણે કેવો વીડિયો બનાવડાવ્યો અને કોના ઈશારે બનાવડાવ્યો એની પણ તપાસ થવી જોઈએ.
જામીન માટે ગેરસમજ કઈ બાબતની થઈ અને કોને થઈ?
આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલે લેટરકાંડમાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને ઘટના વિશે મીડિયા સમક્ષ વાતચીત કરે ત્યાં સુધીમાં 4ની ધરપકડ થઈ હોવાની વાત કરી હતી. પણ જે રીતે યુવતી સાથે બનેલી ઘટનાથી સામાજિક પ્રેશર ઉભુ થયું, સમાજના આગેવાનો સાથે બેઠકોનો દૌર શરુ થયો ત્યાર બાદ સીધી ફરિયાદ જ પાછી ખેંચવાની વાત પર સંમતિ સધાઈ હોવાની તેમણે વાત કરી હતી. મહેશ કસવાલે આ મામલે 2 દિવસ અગાઉ જ્યારે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક થઈ ત્યાર બાદ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, '5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ આપી હતી. પરંતુ કોઈપણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું. સમાજના વરિષ્ઠ આગેવાનો અમરેલી આવ્યા દરમિયાન કૌશિકભાઈ સાથે બેસીને દીકરીને ઝડપથી આ કાનુની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એ માટે કૌશિકભાઈ સાથે સમાજે ચર્ચા કરી અને મેં પણ ચર્ચામાં ભાગ લીધો. કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી એક જ સેકન્ડમાં હા પાડી. ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના જ દિવસમાં બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનુની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે સફળ થશે, પુરા થશે અને આ વિવાદ છે એનો સુઃખદ અંત આવશે.' જો આ મામલાનો આટલો સરળતાથી જ સુઃખદ અંત આવી જવાનો હતો, તો સંઘાણી જેવા કદાવર નેતાએ આ ઘટનામાં એન્ટ્રી શા માટે કરવી પડી એ ચર્ચાનો વિષય છે.
સંઘાણીની સીધી એન્ટ્રીથી અનેક તર્કવિતર્ક
નોંધનીય છે કે, જીલ્લા ભાજપમાં બનતી ઘટનાઓ પર ડેમેજ કંટ્રોલ કરવાનું કામ જીલ્લા ભાજપ પ્રમુખનું હોય છે, પણ આટલી નાની બાબતમાં મોટા ગજાના નેતા એટલે કે ઈફ્કોના ચેરમેન અને ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણીએ જેલમાં બંધ પાટીદાર યુવતી સાથે મુલાકાત કરી અને ગણતરીના કલાકમાં જામીન મળતાની સાથે જ કાયમી નોકરીનું વચન પુરુ કરી રાજકીય દૃષ્ટિએ મોટી બાજી મારી હોવાનું કહેવાય છે. દિલીપ સંઘાણીએ એક રાજકીય નેતા જ નહીં પરંતુ સમાજના મોભી તરીકે મોટો રોલ ભજવીને ભાજપની અમરેલી જિલ્લામાં કહેવાતી જૂથબંધી સામે એકતા દેખાડી ડેમેજકંટ્રોલ કરી મોટો દાખલો બેસાડ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં એક આરોપી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પાટીદાર યુવતીનો પણ સમાવેશ છે.
આ પણ વાંચોઃ અમરેલી લેટર કાંડઃ 'રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢી ઓળખ છતી કરી'- કોંગ્રેસનો CMને
15 હજારના બૉન્ડ પર મળ્યા જામીન
સેશન્સ કોર્ટે પંદર હજારના બૉન્ડ પર યુવતીને રેગ્યુલર જામીન આપ્યા છે. શનિવારે એટલે કે આજે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 2 જાન્યુઆરી 2025એ 4 આરોપીની જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ યુવતીની મદદે આવ્યા. નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં સમાજે દરવાજા ખટખટાવ્યા હતા અને ત્યારે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.








