અમરેલી લેટરકાંડ: પરેશ ધાનાણીએ પોલીસને રસ્તામાં રોકી, કહ્યું ‘મેડિકલ તપાસ અત્યારે નહીં પણ સવારે કરાવો’
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.
પોલીસ સામે કોઇ ફરિયાદ નથી - યુવતી
અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આરોપી પાટીદાર યુવતીના નિવેદનથી આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જામીન પર બહાર આવેલી પાટીદાર યુવતીએ પોતે પત્રકાર પરિષદ યોજી હતી અને ન્યાયની માંગણી કરી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે, પોલીસ પર લગાવેલા ગંભીર આક્ષેપોના નિવેદનો સામે અનેક શંકાઓ ઉઠી રહી છે. ફરિયાદી યુવતીએ કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે, પોલીસ સામે કોઇ ફરિયાદ નથી અને પોલીસે કોઇ દબાણ પણ નથી કર્યું. યુવતીના નિવેદન બાદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.
લેટરકાંડ મુદ્દે તપાસ ટીમ વીઠલપુર પહોંચી
પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે અમરેલી લાવતા સમયે તપાસ ટીમને વચ્ચે રોકી દેવાઈ હતી. તપાસ ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે રસ્તામાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસને રોકવામાં આવી. કોંગ્રેસ નેતા દ્વારા પોલીસ ટીમને રોકી ‘મેડિકલ તપાસ અત્યારે નહીં પણ સવારે કરવા’ માટેની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અમરેલી - લેટરકાંડ મુદ્દે તપાસ ટીમ વીઠલપુર પહોંચી છે. પાયલ ગોટીએ કરેલા આક્ષેપોને લઈ તપાસ ટીમે તજવીજ હાથ ધરી છે. યુવતી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, ધરપકડ બાદ તપાસ ટીમ દ્વારા માર મારવામાં આવ્યો હતો.
પાયલ ગોટીના આક્ષેપો બાદ SITની કરાઈ હતી રચના
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામા આવ્યો હતો. ત્યારે આ તપાસ સમિતિ ટીમ પાયલ ગોટીના નિવાસ્થાને પહોંચી હતી. પાયલ ગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે હવે જાણવા મળી રહ્યુ છે કે, પોલીસ દ્વારા પટ્ટા મારવાના આક્ષેપ માટે મેડિકલ તપાસ કરવા માટે પાટલ ગોટીને લઈ જવામા આવી રહી હતી.
ફરી સંધ્યાકાળ બાદ પાયલ ગોટીને લઈ જવાતા વિવાદ
પાયલ ગોટીને SIT દ્વારા મેડિકલમાં ન જવા દેવા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે. SITના અધિકારીઓનું હાથમાં મોબાઈલ લઈને પરેશ ધાનાણીએ શૂટિંગ કર્યું હતું. જણાવી દઈએ કે, અગાઉ પોલીસે સંધ્યાકાળ પછી આ દીકરીની અટકાયત કરી હતી. ત્યારબાદ હવે SITની ટીમ દ્વારા પણ સંધ્યાકાળ પછી આ દીકરીને લઈ જવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના બાદથી નવો વિવાદ શરૂ થયો છે.
ભાજપે આપી પ્રતિક્રિયા
અમરેલીમાં પાટીદાર યુવતી પર પોલીસ દ્વારા પટ્ટા મારવાના આક્ષેપને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે, પાટીદાર યુવતીએ કોર્ટમાં જુબાની આપી અને તેમાં પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી. છતાં એ દીકરી માટે થઈ ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા અને મેડિકલ ટીમ તપાસ માટે પહોંચી છે. મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને જો ખરેખર પટ્ટા મારવામાં આવ્યા છે કે કોઈ દબાણ કરવામાં આવ્યું છે તો તેની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ દીકરીએ કોર્ટમાં ક્યારેય પણ કહ્યું નથી કે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય રંગ આપવા માટે થઈ પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી હોય ભારતીય જનતા પાર્ટી પક્ષ અને ગુજરાત સરકારની સંવેદના છે ન્યાયતંત્ર ન્યાય આપશે.”
'સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું'
અમરેલીમાં લેટરકાંડ કેસમાં જેલમુક્ત થયા બાદ સૌપ્રથમ વખત પાટીદાર યુવતીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'કૌશિક વેકરિયા, સીએમને કહેવા માગુ છું કે સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું. લેટરકાંડમાં પત્રની FSL તપાસ કરવામાં આવે. મેં કોઈ ગુનો નથી કર્યો, પરંતુ પોલીસે મને માર માર્યો હતો અને જાહેરમાં મારુ અપમાન થયું છે.'








