અમદાવાદ : 15 વર્ષ પહેલા બનાવાયેલા 514 EWS આવાસો ગરીબોને ન ફાળવાયા, હવે તમામ તોડી પડાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં 15 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો વાપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં 15 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે. 15 વર્ષમાં એક પણ મકાનની ફાળવણી ન થઈ, જેના કારણે મકાનો જર્જરીત થઈ ગયા. મકાનોનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા AMC દ્વારા તમામ 514 EWS આવાસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવતા વિવાદ થયો છે.
વિપક્ષે ઉઠાવ્યા સવાલો
સમગ્ર મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણનું કહેવું છે કે, અમદાવાદ શહેરમાં આજે પણ ઘણા એવા ઝૂપડપટ્ટી વિસ્તાર છે, જેમાં રહેતા લોકો પાસે રહેવા મકાન નથી. તો સવાલ એ થાય છે કે, ભાજપ આટલા વર્ષોમાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને મકાનો ફાળવી ન શકી. હવે આવાસના મકાન તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવાસ બનાવ્યા તે સમયે હાટકેશ્વર બ્રિજ જેવો મોટો ભષ્ટ્રચાર થયો હોવાનો આક્ષેપ શહેજાદખાને લગાવ્યો છે.
EWS આવાસ યોજનાના 514 મકાનો તોડી પડાશે
વટવામાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો 15 વર્ષ બાદ જર્જરીત થતા AMCએ તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ખાતર પર દિવેલ જેવો ઘાટ સર્જાયો છે. 15 વર્ષ પહેલા 514 મકાનો બનાવવા કરોડોનો ખર્ચ કર્યો, અને હવે આ માકનો તોડવા માટે પણ કરોડોનો ખર્ચ કરાશે.
જવાબદારો સામે પગલા લેવાશે?
સવાલ એ થાય છે કે આટલા વર્ષો સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસના મકાનો કોઈને ફાળવ્યા કેમ નહીં? મકાનો ખંડેર જેવા બની ગયા ત્યાં સુધી તેની જાળવણી કેમ ન કરવામાં આવી? વિપક્ષે આ સમગ્ર મામલે બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે.








