NAVSARI : અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી, બે ટ્રક તણાઈ, પૂર્ણા નદી પણ ભયજનક સપાટી નજીક
Navsari News : આજે વહેલી સવારથી નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે

Navsari News : આજે વહેલી સવારથી નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે તેમજ પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું છે.
અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી
નવસારીમાં બીલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી છે. બીલીમોરા શહેરના વાડિયા સીપીઆર બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. અંબિકા નદીની સપાટી વધતા ગોલગામ સંપર્ક વિહોણું થયું છે. અંબિકા નદી કાઠાના 14 જેટલા ગામોમાં પાણી ભરવાની શરૂઆત થઇ છે. ભાઠા કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં પાણી ભરાયા છે, તો ગણદેવી તાલુકાના અંબિકા નદીકાંઠાના 16 ગામોને એલર્ટ કરાયા કરાયા છે.
અંબિકા નદીમાં 2 ટ્રક તણાઈ
અંબિકા નદીની સપાટી વધતા નદીમાં 2 ટ્રક તણાઈ હતી. અંબિકા નદીમાં રેતી કાઢવા જતા નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં તણાઈ હતી. માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ વધી હતી.
પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક પહોંચી
નવસારી શહેરની પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક પહોંચી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં બે કલાકમાં 10 ફૂટ જેટલો થયો વધારો થયો છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જયારે હાલ પૂર્ણ નદીની સપાટી 22 ફૂટ પર પહોંચી છે. સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદના કારણે પૂર્ણા નદીમાં એક અઠવાડિયામાં બીજી વાર પૂરની સ્થિતિ ઉભી થઇ છે, જેના કારણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.








