મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપમાં બધુ બરાબર નથી! હાઇકમાન્ડ માટે રેડ સિગ્નલ, પ્રદેશ નેતાગીરી વામણી પુરવાર થઇ

ગુજરાતમાં પહેલીવાર એવુ જોવા મળ્યુ છે કે, લોકસભાની ચૂંટણીના પ્રારંભથી માંડીને અત્યાર સુધી એક વિવાદ શમતો નથી ત્યાં બીજા વિવાદની

ગુજરાત ભાજપમાં બધુ બરાબર નથી! હાઇકમાન્ડ માટે રેડ સિગ્નલ, પ્રદેશ નેતાગીરી વામણી પુરવાર થઇ

ગુજરાતમાં પહેલીવાર એવુ જોવા મળ્યુ છે કે, લોકસભાની ચૂંટણીના પ્રારંભથી માંડીને અત્યાર સુધી એક વિવાદ શમતો નથી ત્યાં બીજા વિવાદની આગ ભભૂકે છે. સૌથી પહેલાં વડોદરામાં રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કરાયા ત્યાં જ્યોતિ પંડ્યાએ બંડ પોકાર્યોને ભાજપનું ઘર સળગ્યુ છે. આ વિવાદની આગ હજુ બુઝાઇ નથી. કેમ કે, આ જ વિવાદે નારણ કાછડિયાથી માંડીને જયેશ રાદડિયાને રાજકીય તાકાત બક્ષી છે. અત્યારે દુભાયેલા, સાઇડલાઇન થયેલા નેતાઓ ખુલીને સામે આવ્યાં છે. ભાજપનો ભરતી મેળો હોય કે પછી ઉમેદવારની પસંદગીનો મુદ્દો હોય, આ મામલો ભાજપના નેતા-કાર્યકરો માટે નારાજગીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. શિસ્તબદ્ધ પક્ષ ગણાતાં ભાજપમાં આંતરિક વિવાદો એટલી હદે વકર્યો છે કે, બધુય શાંત પાડવામાં પ્રદેશ નેતાગીરીનો પનો ટૂંકો પડ્યો છે. આ જોતાં એટલુ કહી શકાય કે, ભાજપ હાઇકમાન્ડ માટે રેડ સિગ્નલ જેવી સ્થિતિ છે. જો આ જ પરિસ્થિતિ રહી અને ચૂંટણી પરિણામમાં અવળુ પરિણામ આવ્યુ તો અસંતુષ્ટોને ભાવતુ ભોજન મળી રહેશે. એટલુ જ નહીં, ભાજપનો આંતરિક જૂથવાદ બળવાનું સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહીં.

લોકસભાની ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે વિવાદો થયા છે તે જોતાં એક વાત ચોક્કસ છે કે, કઇક નવાજૂની થઇ શકે છે.

ટિકિટની ભાંજગડ

રંજન ભટ્ટને ટિકિટ અપાતાં ભાજપના મહિલા આગેવાન જ્યોતિ પંડ્યાએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે તેમને પક્ષમાંથી હાંકી કઢાયા હતાં. લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદ ચગતાં ભાજપનું ઘર સળગ્યુ હતું. એટલી હદે આ વિવાદ વકર્યો કે ભાજપે નાછૂટકે ઉમેદવાર રંજન ભટ્ટને બદલવા પડ્યા હતા.

ભાજપનો ભરતી મેળાનો વિરોધ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ ધર્યુ હતું કેમ કે, તેમનું કહેવુ હતું કે પક્ષના આમ કાર્યકરનું સન્માન જળવાતુ નથીને પક્ષ પલટુ માટે લાલજાજમ પથરાય છે. છેવટે તેમના મનામણાં કરવા પડ્યા હતા.

અટકકાંડ

સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર વિરૂદ્ધ અટકને લઇને ભાજપના કાર્યકરોએ પત્રિકાવોર કર્યું હતું. ઠાકોર નહીં બલ્કે આદિવાસી છે તેવુ પુરવાર કરતાં ભાજપ હાઇકમાન્ડે ભીખાજી ઠાકોરને બદલવા પડ્યા હતાં. આ બધીય વિખવાદ પાછળ ભાજપના એક નેતાનો જ હાથ હતો.

પક્ષપલટુને ટિકિટ

ભીખાજીને ઘર ભેગા કરીને ભાજપના સ્થાનિક નેતાઓ પોતાનો ઇરાદો પાર પાડ્યો હતો. પણ ત્યારબાદ ભીખાજીના સમર્થકોએ સાબરકાંઠા-અરવલ્લી માથે લીધુ હતું. પક્ષપલટુને ટિકિટ અપાતાં એવો જોરદાર વિરોધ કરાયો કે, મુખ્યમંત્રી-ગૃહમંત્રીને મનામણાં માટે આંખે પાણી આવ્યુ હતું પણ મેળ પડ્યો નહતો.

સીડી કાંડ

આણંદ બેઠક પર ભાજપના સાંસદની સીડીનો વિવાદ એટલી હદે ચગ્યો કે, સાંસદને ખુલાસો કરવા દિલ્હી દોડી જવુ પડ્યુ હતું. ભાજપના સ્થાનિક નેતાઓએ હાઇકમાન્ડને ફરિયાદ કરી હતી. આખરે ભાજપે એ જ સાંસદને પુન: ટિકિટ આપતાં છતાંય ઘીના ઠામમાં ઘી પડ્યુ હતું.

ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી કરતાં આ વિવાદે રાજકોટ પુરતી નહીં, ક્ષત્રિયો પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ ભાજપને નુકસાન વહોરવુ પડે તેવી સ્થિતિ ઉભી કરી દીધી હતી. હજુ આ મુદ્દે ક્ષત્રિયો ભાજપથી ભારોભાર નારાજ છે.


ટિકિટ કપાતાં મારામારી

અમરેલીમાં નારણ કાછડિયાની ટિકિટ કપાતાં બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો હતો. ખુદ પ્રદેશ નેતાગીરીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

પત્રિકાવોર

વલસાડ બેઠક પર આયાતી ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપી દેવાતાં ભાજપના સ્થાનિક નેતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો જેથી પત્રિકાવોર જામ્યુ હતું. જેથી પ્રદેશ નેતાઓએ જૂથવાદ ઠારવા દોડી જવુ પડ્યુ હતું.

મેન્ડેટની અવગણના

ઇફકોની ચૂંટણીએ ભાજપની આબરૂ ધૂળધાણી કરી છે. ભાજપે સત્તાવાર બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હોવા છતાંય જયેશ રાદડિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી જીત મેળવી હતી. આ ઘટના ભાજપની પ્રદેશ નેતાગીરી સામે બળવા સમાન છે.

પત્ર વોર

ચૂંટણી પુરી થતાં જ ભાજપમાં પત્રવોર જામ્યો છે જેમ કે નારણ કાછડિયાએ ભાજપે થેન્કયૂ બોલતા ય નથી આવડતુ તેને ટિકિટ આપી છે તેમ કહીને પત્ર લખી હૈયાવરાળ ઠાલવી છે. તો અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હરાવવા મથામણ કરી છે તેવા આરોપ સાથે પાટીલને પત્ર લખ્યો છે. તો ભરત સુતરિયાએ કાછડિયાની ટિકિટ કેમ કપાઇ તે મુદ્દો ઉઠાવીને પત્ર વાયરલ કર્યો છે.

આ સમાચાર શેર કરો