અમદાવાદમાં સાંજે અચાનક વાયુ પ્રદૂષણ વધ્યું, પશ્ચિમ વિસ્તારમાં શંકાસ્પદ દુર્ગંધ પણ ફેલાઈ
અમદાવાદમાં આજે અચાનક વાયુ પ્રદૂષણ વધી ગયું હતું. મોડી સાંજે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતુ

અમદાવાદમાં આજે અચાનક વાયુ પ્રદૂષણ વધી ગયું હતું. મોડી સાંજે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના એસજી હાઇવે, બોપલ, મકરબા, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે ધુમાડો છવાયો હતો. સામાન્ય રીતે આ પ્રકારનું વાતાવરણ શિયાળાની મોસમમાં વહેલી સવારે જ જોવા મળતું હોય છે. જો કે, એવું વાતાવરણ સાંજે જોવા મળતાં લોકો અચરજ પામ્યા હતા.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધુમાડા ઉપરાંત શંકાસ્પદ દુર્ગંધ પણ ફેલાઇ હતી. લોકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત થયા છે. ફાયરબ્રિગેડની ટીમો આ શંકાસ્પદ દુર્ગંધનું કારણ જાણવા તપાસમાં લાગી છે. પરંતુ અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
આ પ્રકારના વાતાવરણ અંગે સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું કે, 'અમદાવાદ શહેરમાં સાંજના સમયે સામાન્ય રીતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં 100 થી 150 AQI(એર ક્વોલિટી ઇન્ડેક્સ) હોય છે પરંતુ, આજે પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી આજે સાંજના સમયે એસજી હાઈવે તરફ 260થી લઈને 358 એક્યુઆઇ રહ્યું હતું. આટલી વધુ માત્રામાં AQI પહોંચે તો તે સ્વાસ્થ માટે હાનિકારક છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.
ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વેઝિબિલિટી ઘટી હતી
ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વેઝિબિલિટી ઘટી હતી. આ કારણસર વાહનચાલકો અને નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. દૂર-દૂર સુધી ધુમાડાભર્યું વાતાવરણ દેખાયું હતું. જેથી રસ્તાઓ પર વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આવું ધુમાડાયુક્ત વાતાવરણ જોઇ શહેરના લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.








