VIDEO: ઉનાળાનો અસલી મિજાજ! રાજકોટ 41.7 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગરમાં પારો 40ને પાર, હવામાન વિભાગે ગરમી વધવાની કરી આગાહી
VIDEO: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, આગામી દિવસોમાં વાતાવરણ સુકું રહેશે અને ગરમીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે.
રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ, રાજકોટ 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. બપોરના સમયે રસ્તાઓ પર સૂમસામ નજારો જોવા મળી રહ્યો છે. રાજકોટ બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. અમદાવાદમાં 40.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
કચ્છમાં 'યેલો એલર્ટ' જાહેર
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં હીટવેવની શક્યતાને પગલે 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
આગામી દિવસોમાં શું થશે?
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી થોડા દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. વાતાવરણ સંપૂર્ણપણે સુકું રહેશે, જેના કારણે બપોરના સમયે લૂ (ગરમ પવન) લાગવાની શક્યતા વધી જાય છે. નાગરિકોને પુષ્કળ પાણી પીવા અને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

