Video: થલતેજના મેગ્નેટ પાર્કની બિલ્ડિંગમાં આગ લાગતા નાસભાગ; જીવ બચાવવા લોકો બારીમાંથી કૂદ્યા

સોર્સ: gstv

અમદાવાદના ​થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસ (મેગ્નેટ ફ્લોરા)ના બીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી સર્જાઈ હતી. ધુમાડાના ગોટા વચ્ચે ફસાયેલા લોકોમાંથી ગભરાટમાં 2 કર્મચારીઓ જીવ બચાવવા નીચે કૂદી પડ્યા હતા, જ્યારે અંદર ફસાયેલા અન્ય 3 લોકોને ફાયર વિભાગે સીડીની મદદથી સહીસલામત રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

થલતેજના મેગ્નેટ કોર્પોરેટ હાઉસ બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ

જાહેરાત

શહેરના કોર્પોરેટ હાઉસમાં સામાન્ય દિવસની જેમ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળે આગ લાગી હતી. જોતજોતામાં ધુમાડો સમગ્ર ફ્લોર પર ફેલાઈ જતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે અન્ય કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા.
ગભરાયેલા 2 કર્મચારીઓએ બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો.
​
દરમિયાન સ્થાનિકો અને સુરક્ષાકર્મીઓએ તુરંત ફાયર કંટ્રોલરૂમને જાણ કરતાં નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને બીજી તરફ સ્નોર્કલ/સીડી લગાવી બિલ્ડિંગમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ચીસાચીસ વચ્ચે બે લોકોએ છલાંગ લગાવી, નીચે ઊભેલા લોકોએ ઝીલવા પ્રયાસ કર્યો

બીજા માળેથી કાળા ડિબાંગ ધુમાડા નીકળતાં જ અંદર કામ કરતા કર્મચારીઓનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. બહાર નીકળવાનો રસ્તો ધુમાડાથી ઘેરાઈ જતાં બે કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને નીચે કૂદકો માર્યો હતો. નીચે હાજર લોકોએ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા. ફાયર ટીમે સમયસૂચકતા વાપરી સીડી લગાવી અન્ય ત્રણ લોકોને હેમખેમ ઉતારી લેતાં મોટી જાનહાનિ ટળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત