Video/ Ahmedabadના બે મુખ્ય બ્રિજ જોખમમાં! ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજમાં ગંભીર ક્ષતિઓ, સળિયા બહાર દેખાયા
અમદાવાદમાં સુભાષ બ્રિજની ક્ષતિઓ બાદ હવે અમદાવાદના અન્ય બે મુખ્ય બ્રિજ, ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજની જાળવણીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આ બંને બ્રિજોના અનેક ભાગોમાં પોપડાં ખરી પડવા અને સળિયા બહાર દેખાવાના કારણે તેમની સલામતી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ગાંધી બ્રિજમાં સ્પાન સિવાય પણ ક્ષતિઓ
'ગંભીરા બ્રિજ દુર્ઘટના' બાદ ગાંધી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, આ રિપેરીંગ માત્ર સ્પાન જોઇન્ટ, બેરિંગ રિપેરીંગ અને બદલવા પૂરતું જ મર્યાદિત રાખવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું છે કે ગાંધી બ્રિજમાં સ્પાન જોઇન્ટ સિવાય પણ અન્ય જગ્યાએ ગંભીર ક્ષતિઓ છે. બ્રિજની નીચેની તરફ અનેક જગ્યાએ પોપડા પડી ગયેલા છે અને પ્લાસ્ટર ઉખડી ગયેલું છે. અનેક જગ્યાએ સ્ટ્રક્ચરના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે.
બ્રિજના પીલ્લરમાં પણ સળિયા દેખાઈ રહ્યા હોવાથી તેની મજબૂતાઈ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સરદાર બ્રિજમાં પણ પ્લાસ્ટર ઉખડ્યું
ગાંધી બ્રિજની જેમ જ સરદાર બ્રિજની સ્થિતિ પણ ચિંતાજનક છે. સરદાર બ્રિજમાં પણ કેટલીક જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું છે. પ્લાસ્ટર ઉખડી જતાં એક-બે જગ્યાએ સળિયા સ્પષ્ટ દેખાવા લાગ્યા છે.
બ્રિજની સુરક્ષા પર મેયરે આપ્યું નિવેદન, 'દરેક બ્રિજનું ઇન્સ્પેક્શન ચાલુ'
શહેરમાં સુભાષ બ્રિજ સહિત અન્ય મુખ્ય બ્રિજોમાં ક્ષતિઓ સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સત્તાવાર રીતે સક્રિય થયું છે. આ મામલે અમદાવાદના મેયરે નિવેદન આપ્યું હતું કે શહેરના દરેક બ્રિજની સુરક્ષા અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુભાષ બ્રિજ 5 દિવસ બંધ
મેયરે સુભાષ બ્રિજ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોના હિત અને સુખાકારી માટે સુભાષ બ્રિજને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ પર નિષ્ણાતો દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ તેના રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.
તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન ચાલુ
મેયરે સ્પષ્ટતા કરી હતી કે માત્ર સુભાષ બ્રિજ જ નહીં, પરંતુ શહેરના અન્ય બ્રિજો જેમ કે ગાંધી અને સરદાર બ્રિજ પર પણ સવાલો ઉઠ્યા છે તેની સુરક્ષા ચકાસવા માટે દરેક બ્રિજનું ઇન્સ્પેક્શન હાલમાં સઘન રીતે કરવામાં આવી રહ્યું છે.

