સૈજપુર બોઘામાં લુખ્ખા તત્વોની દાદાગીરી; સિક્યોરિટી ગાર્ડને રસ્તા પર દોડાવીને માર્યો, પોલીસે 7 આરોપીઓને દબોચ્યા

અમદાવાદ સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા 36 વર્ષીય યુવક પર પર અગાઉની સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને ગત રાતે સમાધાનના બહાને આવેલા 5 શખ્સો અને અન્ય 10 લોકોના ટોળાએ રસ્તા પર દોડાવીને ઢોર માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
7 લુખ્ખા તત્ત્વોની ધરપકડ
હુમલાખોરોએ યુવકને પટ્ટાથી માર મારતી વખતે રોફ જમાવવા વીડિયો પણ ઉતાર્યો હતો અને સ્થાનિક લોકો બચાવવા ન આવે તે માટે યુવકે છોકરીની છેડતી કરી હોવાની ખોટી અફવા ફેલાવીને આતંક મચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા પોલીસ હકીકત જાણી હતી અને પછી ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવવી હતી. જે બાદ પોલીસે 7 લુખ્ખા તત્ત્વોની ધરપકડ કરી લીધી છે.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય યુવકએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તારીખ 31 ઓકટોબરના રોજ તેમણે રાહુલ લુહારને પોતાની ચાલી પાસે આંટા મારવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે અગાઉ 30 ઓકટોબરના રોજ લખન પાટીલે પણ કપિલભાઈની પત્નીને ઘરે આવીને ધમકી આપી હતી. તારીખ 01 નવેમ્બરના રોજ રાહુલના ધમકીભર્યા કૉલ આવતા ડરી ગયેલા પીડિત યુવક તેમના પરિવાર સાથે સૈજપુર ટાવર પાસે રહેતા તેમના મામાના દીકરાના ઘરે રાત્રિ રોકાણ માટે જતા રહ્યા હતા.
સમાધાનના બહાને ગડદાપાટુનો માર
તારીખ 01 નવેમ્બરની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ રાહુલ લુહાર, લખન પાટીલ, આનંદ પાટીલ, રમેશ લુહાર અને મેહુલ લુહાર સમાધાન કરવાના બહાને ત્યાં પહોંચ્યા હતા. પીડિતના ઘરની બહાર આવતા જ આ 5 શખ્સો અને અન્ય 10 થી 15 લોકોએ તેમને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો અને રાહુલે કમરના પટ્ટાથી હુમલો કર્યો હતો. લુખ્ખા ઈસમોએ યુવકને રસ્તા પર દોડાવીને ઢોર માર માર્યો હતો.
યુવકે છોકરીની છેડતી કરી હોવાનું ખોટું બહાનું કાઢ્યું!
જ્યારે કરણ લુહાર આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યો હતો અને મેહુલ લુહાર બચાવવા આવતા લોકોને એવું કહીને ગેરમાર્ગે દોરી રહ્યો હતો કે યુવકે છોકરીની છેડતી કરી છે. કપડાં ફાડી નાખીને અને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જે બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતાં 7 શખ્સોની ધરપકડ કરી છે.
















