ગુજરાત ATSએ ઝડપેલા 4 આતંકીઓ સોશિયલ મીડિયા મારફતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા હતા

ગુજરાત ATSએ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS લાંબા સમયથી વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તેમજ અલકાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ ઍપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયા સાઈટ પર રાષ્ટ્ર વિરુદ્ધ ખોટા અને ઉશ્કેરણીજનક કથનો ફેલાવવા માટે, સ્થાનિક યુવાનોને આતંકવાદી સંગઠનો અને તેમની કટ્ટરપંથી વિચારધારા તરફ આકર્ષિત કરી અશાંતિ અને આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે ATS પોલીસે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ(AQIS)ના વીડિયોનો પ્રચાર પ્રસાર કરવામાં સક્રિયપણે જોડાયેલ છે. તેઓ અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ(AQIS)ની પ્રવૃત્તિઓને ‘ગઝવા એ હિંદ’ના નામે આગળ ધપાવવા ધાર્મિક હિંસા માટે ઉશ્કેરવાની પ્રવૃત્તિમાં કાર્યરત હતા.
સમગ્ર મામલે ATS દ્વારા ફરદીન શેખ, મોહમ્મદ ફૈક, ઝીશાન અલી તથા સેફુલ્લા કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. ATS ની અલગ અલગ ટીમો દ્વારા ચારેય ઈસમોની દિલ્હી, નોઈડા, મોડાસા અને અમદાવાદમાંથી અટકાયત કરી વધુ તપાસ અર્થે એટીએસ કચેરી લાવવામાં આવ્યા છે.
પુરાવાના આધારે એટીએસ ગુજરાત ખાતે ‘ઈસ્લામિક સ્ટેટ’(IS) સાથે જોડાયેલા ઉપરોક્ત ચારેય વિરુદ્ધ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1969ની કલમ 13, 18, 38, 39, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 113, 152, 196, 61 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 2 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જ્યારે અન્ય 2ને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે.

