સરકારી ગાડીઓ, પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડક કામગીરી કરો: ગુજરાત HC

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ, અધિકારી કે સરકારી-હાઇકોર્ટની ગાડીઓના ડ્રાઇવરો કે પછી પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડક કામગીરી થઇ જોઈએ.
હાઇકોર્ટે જણાવ્યું, “હાઇકોર્ટ પણ કાયદાથી ઉપર નથી. સરકારી ગાડીઓ, હાઇકોર્ટની ગાડીઓ કે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.” કોર્ટે ખાસ કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગની સમસ્યા પર નારાજગી વ્યક્ત કરી અને આવા ગુનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો.
ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે એક નવી મુહિમ
અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે એક નવી મુહિમ શરૂ કરી છે. આ મુહિમ હેઠળ, ટ્રાફિક વિભાગના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) દ્વારા દરેક શાળામાં જઈને વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરશે.
હાઇકોર્ટે અમદાવાદને ‘સ્વચ્છ સિટી’ તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરીને ટિપ્પણી કરી કે, “હવે અમે અમદાવાદને સેફ સિટી તરીકે જોવા માગીએ છીએ.” કોર્ટે પોલીસની નવી મુહિમના પ્રયાસોના વખાણ કર્યા, પરંતુ એ પણ ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રયાસોનું નક્કર પરિણામ જોવું જરૂરી છે.
હાઇકોર્ટે આ મુદ્દે આગામી સુનાવણી બુધવાર, 30 જુલાઈ 2025ના રોજ હાથ ધરવામાં આવશે.

