અમદાવાદમાં 3000 ઈ-બસ દોડાવવાનો પ્લાન, પણ પાર્કિંગ માટે જગ્યા ક્યાંથી લાવશે AMTS?

અમદાવાદમાં 3000 ઈ-બસ દોડાવવાનો પ્લાન, પણ પાર્કિંગ માટે જગ્યા ક્યાંથી લાવશે AMTS?
તસવીર: AI
આ સમાચાર સાંભળો

2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદની જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે AMTS દ્વારા 3000 નવી ઈલેક્ટ્રિક બસો (e-buses) દોડાવવાનો મહત્વાકાંક્ષી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આ યોજના સામે અત્યારે સૌથી મોટો વ્યવહારુ પ્રશ્ન 'પાર્કિંગ'નો ઉભો થયો છે, જે સમસ્યાનો સામનો અમદાવાદીઓ રોજિંદા જીવનમાં કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 300 ઈ-બસો માટે એસ્ટેટ વિભાગના પ્લોટમાં પાર્કિંગની મંજૂરી મળી ગઈ છે, પરંતુ બાકીની 2700 બસો આગામી ત્રણ વર્ષમાં ક્યાં પાર્ક કરવી તે તંત્ર માટે મોટો પડકાર બની રહેશે.

12 જૂના ડેપોની જમીન ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવાનો વિરોધાભાસી નિર્ણય

જાહેરાત

એક તરફ AMTS પાસે નવી બસો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા નથી, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરના 12 જૂના બસ ડેપોની 30 ટકા જમીન ખાનગી વાહનોના 'પે-એન્ડ-પાર્ક' માટે ફાળવવાનો નિર્ણય લીધો છે. આ માટે ગુરુવારે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમાંથી AMTS ને વાર્ષિક રૂ. 1.50 કરોડની આવક થવાની અપેક્ષા છે.

•    કયા 12 ડેપો સામેલ?: નવા વાડજ શ્રીનાથ, આરટીઓ સર્કલ, અચેર, સાબરમતી ધર્મનગર, મેમ્કો, મેમનગર, ઓઢવ, વસ્ત્રાલ, ચંડોળા, નારણપુરા, રાણીપ અને ઝુંડાલ.
•    માત્ર મેમનગર ડેપોમાં જ 500 ફોર-વ્હીલર અને 80 ટુ-વ્હીલરના પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવશે.

25 વર્ષથી ટીપી સ્કીમમાં બસ ટર્મિનલ માટે પ્લોટ જ નથી ફાળવાયા

AMTSના એક નિવૃત્ત અધિકારીએ નામ ન આપવાની શરતે તંત્રની નીતિ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, અગાઉ AMC નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ બનાવતી વખતે બસ ટર્મિનલ માટે પ્લોટ અનામત રાખતી હતી, પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી આવા કોઈ પ્લોટ રિઝર્વ રાખવામાં આવ્યા નથી. જ્યાં નવી ઈલેક્ટ્રિક બસો પાર્ક કરવાની જગ્યા નથી, ત્યાં 12 જૂના ડેપોની 30 ટકા જમીન ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપી દેવાનો નિર્ણય તર્કહીન છે.

વર્તમાન જગ્યા કરતાં ત્રણ ગણી વધુ જમીનની જરૂર, અકસ્માતનું પણ જોખમ

AMTSના એક અધિકારીના જણાવ્યા મુજબ, આગામી બસોના કાફલાને પાર્ક કરવા માટે હાલની ઉપલબ્ધ જમીન કરતાં ત્રણ ગણી વધુ જમીનની જરૂર પડશે. હાલમાં અન્ય જાહેર હેતુ માટે અનામત રખાયેલા પ્લોટમાં હંગામી પાર્કિંગ કરવા અથવા તે પ્લોટનું ઝોનિંગ બદલીને બસ ટર્મિનલ બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે. અધિકારીએ વધુમાં ચેતવણી આપી હતી કે, મોટાભાગના AMTS ડેપોમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે એક જ ગેટ (એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ) છે. જો એક જ પરિસરમાં જાહેર બસો અને ખાનગી વાહનો પાર્ક થશે, તો અકસ્માતનું જોખમ વધશે અને આ નિર્ણય ફાયદા કરતાં નુકસાન વધુ કરાવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત