અમદાવાદમાં ડ્રગ્સ કેસના આરોપીના ઘર પર બુલડોઝર, તંત્રની સખ્ત કાર્યવાહી

અમદાવાદમાં ડ્રગ્સ કેસના આરોપીના ઘર પર બુલડોઝર,  તંત્રની સખ્ત કાર્યવાહી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં નશાના કાળા કારોબારને ડામવા માટે હાલમાં પોલીસ એક્શન મોડમાં છે ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલ દંપતીના ગેરકાયદે મકાન પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ગત બુધવારે (18 નવેમ્બરે) બોડકદેવ પોલીસે થલતેજ મળાવ તળાવ પાસેથી રાજુ ભીલ નામના યુવકને 131 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે સરખેજ સન્યાસ આશ્રમ નજીક આવેલી વસાહતમાં રહેતી સુનિતા રાઠોડ નામની મહિલા પાસેથી નિયમિત રીતે ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરતો હતો.

જાહેરાત

દંપતી આરોપીએ ગેરકાયદે દબાણ કરી મકાન બનાવ્યું હતું

આ પછી પોલીસ દ્વારા સન્યાસ આશ્રમમાં રહેતી સુનિતા રાઠોડને ત્યાં દરોડા પાડીને સવા બે કિલો અને 54 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિગતો સામે આવી હતી કે, સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડનું મકાન ગેરકાયદે છે. જે અગાઉ તોડી પડાયું હતું. પરંતુ, આરોપીઓ ફરીથી બાંધકામ કરીને રહેવા આવી ગયા હતા અને ગાંજાનો કારોબાર ચલાવતા હતા.

અગાઉ પણ મનપા દ્વારા આરોપીઓનું મકાન તોડી પડાયું હતું

વર્ષ 2023-24 દરમિયાન અમદાવાદ મનપા દ્વારા આ ડ્રગ્સ પેડલર્સનું ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું હતું. તેમ છતા અગાઉના ડિમોલિશન બાદ ફરીથી ગેરકાયદે દબાણ કરીને આરોપીઓ દ્વારા મકાન બનાવી દેવામાં આવ્યું હતું. આ અંગે સરખેજ પોલીસે AMCને જાણ કરતા ફરીથી આ ગેરકાયદે મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ સિવાય AMC દ્વારા આરોપીઓની બાજુમાં આવેલ અન્ય એક NDPS આરોપીના ઘરનું પણ ડિમોલિશન કરવામા આવ્યું છે.

આરોપી દંપતી સામે 65થી વધુ ગુના દાખલ

ઉલ્લેખનીય છે કે, સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં બન્ને વિરૂદ્ધ 65થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં 46 ગુના સુનિતા રાઠોડ અને 20 ગુના દિપક રાઠોડ વિરૂદ્ધ નોંધાયા હતા. આ ગુનાઓમાં દારુ, મારામારી, ડ્રગ્સનું વેચાણ સહિતનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત