Video: અમદાવાદમાં શ્રી ગુરુનાનક દેવજીના 557મા પ્રકાશ પર્વની ઉજવણી, થલતેજથી શોભાયાત્રા નીકળી, 24મીએ ભજન-કીર્તનનું આયોજન

અમદાવાદના થલતેજમાં આવેલા ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે શ્રી ગુરુનાનક દેવજીના 557મા પ્રકાશ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં નગર કીર્તન (શોભાયાત્રા) સહિત ભજન-કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે શોભાયાત્રાનું આયોજન
આ ઉજવણીના ભાગરૂપે આજે 22 નવેમ્બરના રોજ રવિવારે બપોરે 1:30 કલાકે નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રા સ્વરૂપે ગુરુદ્વારા ગોવિંદધામથી શરૂ થઈ ડ્રાઈવ ઇન રોડ, વસ્ત્રાપુર લેક, માનસી સર્કલ, પકવાન ચાર રસ્તા થઈ સાંજે 7 કલાકે પરત ફરશે. જેમાં આશરે 2 હજાર જેટલા ભક્તજનો જોડાયા છે.
24 નવેમ્બરે ધાર્મિક કાર્યક્રમ
આ ઉપરાંત, ગુરુદ્વારા થલતેજ ખાતે 24 નવેમ્બર, 2026ના રોજ મંગળવારે શ્રી ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે સવારે 7 કલાકેથી મધ્યરાત્રિ 1 વાગ્યા સુધી ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભજન-કીર્તન, લંગર (પ્રીતિ ભોજન) સહિતના ધાર્મિક આયોજનો થશે.









