Video: અમદાવાદમાં ડ્રગ્સ ડીલરો સામે બુલડોઝર એક્શન, સરખેજમાં ત્રણ ગેરકાયદે મકાનો તોડી પડાયાં

અમદાવાદમાં ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા તત્વો સામે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરખેજની ડ્રગ્સ ડીલર સુનિતા રાઠોડે AMCની સરકારી જમીન પર બનાવેલા ગેરકાયદે મકાનને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ બે વર્ષ પહેલાં પણ તેનું મકાન તોડવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી પાકું મકાન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સુનિતાના ઘરે દરોડા દરમિયાન 2.174 કિલો ગાંજો અને 3.53 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જ્યારે બોડકદેવમાંથી 131 ગ્રામ ગાંજા સાથે રાજુ ભીલ ઝડપાયો હતો. પૂછપરછમાં રાજુ ભીલે સુનિતા પાસેથી ગાંજો લાવતો હોવાની કબૂલાત કરી હતી, જ્યારે સુનિતા સામે અગાઉ દારૂના 48 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સરખેજના સંન્યાસ અને કૈલાશ આશ્રમ નજીક સરકારી જમીન પર બનેલા ત્રણ ગેરકાયદે મકાનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યાં છે.














