સરકારી આવાસના નામે રૂ. 50 લાખની ઠગાઈ, 23 લોકોને મકાનની લાલચ આપી બનાવ્યા શિકાર

સરકારી આવાસના નામે રૂ. 50 લાખની ઠગાઈ, 23 લોકોને મકાનની લાલચ આપી બનાવ્યા શિકાર
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસના મકાનો આપવાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે. કુલ 23 લોકો સાથે રૂ. 50 લાખની ઠગાઈ થઈ છે. આ સમગ્ર કૌભાંડમાં ચાંદલોડિયાના ઘનરાજ યાદવ અને નિકુંજ ભરવાડના નામ ખુલ્યા છે. મેમનગરમાં ભાડે રહેતા નરેશ પ્રજાપતિને વિશ્વાસમાં લઈ મકાનના એડવાન્સ અને દસ્તાવેજ પેટે રૂ. 2,23,500 તેમજ અન્ય 22 લોકો પાસેથી અલગ-અલગ રીતે રૂ. 47,70,500 ઉઘરાવી લીધા હતા. લાંબા સમય સુધી બહાના બતાવી કોઈને મકાન ન આપવાના કારણે આખરે બન્ને શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં કેળવી સરકારી આવાસ લગાવી આપવાની લાલચ આપી

જાહેરાત

મેમનગરમાં 10 વર્ષથી ભાડે રહેતા નરેશ પ્રજાપતિએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2024માં તેમના પાડોશમાં પરિવાર સાથે રહેતા ધનરાજ યાદવ સાથે તેમને ઘર જેવા સંબંધો હતા. ધનરાજ એપ્રિલ 2024ના રોજ નરેશના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, આપણે બન્ને ભાડે રહીએ છીએ અને તેમનો એક મિત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન અપાવી આપે છે તથા તેના ફોર્મ ભરાવે છે.

1 BHKનું મકાન બતાવી એડવાન્સ રૂપિયા લીધા

આ વાત પરથી નરેશ અને તેમના પત્ની ધનરાજ યાદવ સાથે વંદે માતરમ રોડ પર આવાસના મકાનો જોવા ગયા હતા, જ્યાં તેમને 1 BHKનું મકાન પસંદ પડતા ધનરાજે તેની અંદાજિત કિંમત રૂ. 8 લાખ જણાવી હતી. નરેશે વિચારને વિચારીને જવાબ આપવાનું કહેતા ધનરાજે રૂપિયાની જવાબદારી પોતાની રહેશે અને મકાન ન લાગે તો એડવાન્સ રકમ પરત આપી દેવાની ખતરી આપી વિશ્વાસમાં લીધા હતા.

મકાન લાગી ગયાનું કહી વધુ રકમ પડાવવામાં આવી

આ પછી આવાસના મકાનની બહાર ધનરાજે પોતાના મિત્ર નિકુંજ સાથે મુલાકાત કરાવી જણાવ્યું કે, મકાન અપાવવાનું કામ નિકુંજ કરે છે પરંતુ રૂપિયાનો તમામ વ્યવહાર પોતાની સાથે જ કરવાનો રહેશે. ધનરાજ પર વિશ્વાસ રાખી નરેશે એપ્રિલ 2024માં મકાનના એડવાન્સ પેટે રોકડા રૂ. 1,16,000 આપ્યા હતા અને તેના 15 દિવસ બાદ ધનરાજે બ્લોક નંબર 13માં મકાન લાગી ગયું હોવાનું જણાવી દસ્તાવેજ કરાવવા માટે વધુ રૂ. 73,500 રોકડા મેળવી લીધા હતા.

લાંબા સમય સુધી કોઈ જવાબ પણ ન આપ્યો અને રકમ પણ પરત ન આપી

આમ કુલ રૂ. 2,33,500 લીધા બાદ ધનરાજે 23 સપ્ટેમ્બર 2024ના રોજ નરેશને મકાનના દસ્તાવેજ માટે ગોતા મામલતદાર ઓફિસ ખાતે બોલાવ્યો હતો, પરંતુ સાંજ સુધી કોઈ કામગીરી થઈ ન હતી અને દસ્તાવેજ કરનાર સાહેબના માતાનું અવસાન થયું હોવાનું જણાવી પછીથી તારીખ આપવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ લાંબા સમય સુધી દસ્તાવેજ માટે કોઈએ સંપર્ક ન કરાતા નરેશ ધનરાજને મળવા ગયો હતો. જ્યાં ધનરાજે આગળથી માહિતી આવશે એટલે જાણ કરીશ તેમ કહ્યું હતું અને રૂપિયા પરત આપી દેવાની માત્ર વાતો કરી સમય પસાર કર્યો હતો.

કુલ 23 લોકો સાથે બન્ને આરોપીઓએ છેતરપિંડી આચરી

અંતે જાણવા મળ્યું કે, નિકુંજ ભરવાડ અને ધનરાજ યાદવ બન્ને એ ભેગા મળી ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસના મકાનો અપાવવાના બહાને ફરિયાદ નરેશ પાસેથી રૂ. 2,33,500 તથા અન્ય 22 લોકો પાસેથી અલગ-અલગ રીતે રૂ. 47,70,500 મળી કુલ રૂ. 50,04,000 લીધા હતા. આ બન્ને આરોપીઓએ રૂપિયા લઈ કોઈને મકાન ન આપતા છેતરપિંડી થઈ હોવાથી આખરે નરેશે બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત