સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચમાં કોને થશે સૌથી વધુ ફાયદો? સામે આવી બે નવી ફોર્મ્યુલા

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં પગાર પંચ કર્મચારી અને પેન્શનર્સ સંગઠનો સાથે બેઠકો કરીને તેમની માગણીઓ અને સૂચનો જાણી રહ્યું છે. આ દરમિયાન બે મુખ્ય કર્મચારી સંગઠનોએ પગાર વધારા માટે અલગ-અલગ ફોર્મ્યુલા રજૂ કર્યા છે. મિનિસ્ટિરિયલ સ્ટાફ એસોસિયેશન (MSA)એ તમામ કર્મચારીઓ માટે 3.61નો સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માગ કરી છે. જ્યારે ઇન્ડિયન રેલવે ટેક્નિકલ સુપરવાઇઝર્સ એસોસિયેશન (IRTSA)એ અલગ-અલગ પે લેવલ માટે 2.92થી 4.38 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યો છે. બંને સંગઠનોના પ્રસ્તાવનો અમલ થાય તો કર્મચારીઓના પગારમાં અલગ-અલગ રીતે વધારો થઈ શકે છે. MSAના ફોર્મ્યુલામાં નીચલા સ્તરના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી તમામના પગારમાં સમાન પ્રમાણમાં વધારો થશે. બીજી તરફ, IRTSAના પ્રસ્તાવમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા અધિકારીઓના પગારમાં પ્રમાણમાં વધુ વધારો થઈ શકે છે.
MSAનો પ્રસ્તાવ: લઘુતમ બેઝિક પગાર 65 હજાર રૂપિયા
મિનિસ્ટિરિયલ સ્ટાફ એસોસિયેશન (MSA)એ તમામ પે લેવલ માટે 3.61નો એકસરખો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માગ કરી છે. સંગઠને લઘુતમ બેઝિક પગાર 65 હજાર રૂપિયા અને મહત્તમ બેઝિક પગાર 9 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. આ ફોર્મ્યુલા લાગુ થાય તો 7મા પગાર પંચમાં લેવલ-1ના કર્મચારીનો 18 હજાર રૂપિયાનો બેઝિક પગાર વધીને 65 હજાર રૂપિયા થઈ શકે છે. જ્યારે લેવલ-18ના અધિકારીનો 2.50 લાખ રૂપિયાનો બેઝિક પગાર વધીને આશરે 9.02 લાખ રૂપિયા થઈ શકે છે. આ પ્રસ્તાવમાં લઘુતમ અને મહત્તમ પગાર વચ્ચેનો હાલનો 1:13.9નો ગુણોત્તર જાળવી રાખવાની વાત છે.
IRTSAનો પ્રસ્તાવ: 2.92થી 4.38 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર
ઇન્ડિયન રેલવે ટેક્નિકલ સુપરવાઇઝર્સ એસોસિયેશન (IRTSA)એ અલગ-અલગ પે લેવલ માટે અલગ ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યો છે. સંગઠનના પ્રસ્તાવ મુજબ લેવલ-1 માટે 2.92નો ફિટમેન્ટ ફેક્ટર રહેશે, જ્યારે લેવલ-17 અને લેવલ-18 માટે તે વધારીને 4.38 કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ફોર્મ્યુલા લાગુ થાય તો ઉચ્ચ અધિકારીઓના પગારમાં નીચલા સ્તરના કર્મચારીઓની સરખામણીએ વધુ વધારો થઈ શકે છે. આ પ્રસ્તાવમાં લઘુતમ અને મહત્તમ પગાર વચ્ચેનો ગુણોત્તર વધીને આશરે 1:20.8 થઈ શકે છે.
કોના પ્રસ્તાવથી કોને વધુ ફાયદો?
બંને પ્રસ્તાવ વચ્ચેનો મુખ્ય તફાવત પગાર વધારાના પ્રમાણમાં છે. MSAનો ફોર્મ્યુલા તમામ કર્મચારીઓ માટે સમાન ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે. તેમાં નીચલા પે લેવલના કર્મચારીઓના પગારમાં પ્રમાણમાં મોટો વધારો જોવા મળી શકે છે. બીજી તરફ, IRTSAનો ફોર્મ્યુલા હોદ્દા અને જવાબદારી પ્રમાણે અલગ ફિટમેન્ટ ફેક્ટર સૂચવે છે. તેમાં ઉચ્ચ અધિકારીઓના પગારમાં વધુ વધારો થઈ શકે છે. જોકે, આ બંને માત્ર કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો છે. 8મા પગાર પંચની અંતિમ ભલામણો અને સરકારનો નિર્ણય આવ્યા બાદ જ કર્મચારીઓના વાસ્તવિક પગાર વધારાની સ્થિતિ સ્પષ્ટ થશે.
કયા પે લેવલના કર્મચારીને કેટલો પગાર મળી શકે?
7મા પગાર પંચના હાલના બેઝિક પગાર અને બંને સંગઠનોના પ્રસ્તાવ મુજબ સંભવિત પગારનો અંદાજ આ પ્રમાણે છે:
| પે લેવલ | હાલનો બેઝિક પગાર | MSAનો પ્રસ્તાવ | IRTSAનો પ્રસ્તાવ |
|---|---|---|---|
| લેવલ-1 | 18,000 રૂપિયા | 65,000 રૂપિયા | 52,600 રૂપિયા |
| લેવલ-6 | 35,400 રૂપિયા | 1,27,800 રૂપિયા | 1,23,900 રૂપિયા |
| લેવલ-12 | 78,800 રૂપિયા | 2,84,500 રૂપિયા | 2,99,500 રૂપિયા |
| લેવલ-18 | 2,50,000 રૂપિયા | 9,02,500 રૂપિયા | 10,95,000 રૂપિયા |










