સોનામાં ભેળસેળથી ગ્રાહકોની ચિંતા વધી: જાણો કેવી રીતે થઈ રહી છે છેતરપિંડી અને તેનાથી કેવી રીતે બચવું

સોનાના ઘરેણાં ખરીદતા ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સોનાની શુદ્ધતા જાળવવા અને તેમાં થતી સંભવિત ભેળસેળ અટકાવવા માટે ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ ભારતીય માનક બ્યુરો (BIS)ને આ અંગે જાણ કરી છે. કાઉન્સિલે આશંકા વ્યક્ત કરી છે કે કેટલાક કિસ્સાઓમાં સોનાનાં ઘરેણાંનું વજન વધારવા માટે તેમાં રેણિયમ અને ઇરિડિયમ આધારિત મિશ્ર ધાતુઓનો ઉપયોગ થઈ શકે છે. જોકે, અત્યાર સુધી આ પ્રકારની ભેળસેળનો કોઈ પુષ્ટિ થયેલો કેસ કે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. GJCએ જ્વેલર્સને મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ અને સપ્લાયર્સ પાસેથી સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાની યોગ્ય તપાસ કરવાની સલાહ આપી છે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર, BIS પણ આ મામલે નજર રાખી રહ્યું છે. GJCના ચેરમેન રાજેશ રોકડેએ વેપારીઓ અને ગ્રાહકોને ગભરાવાને બદલે સાવચેત રહેવાની અપીલ કરી છે.
સોનામાં રુથેનિયમ, ઇરિડિયમ અને ઓસ્મિયમની ભેળસેળની આશંકા
થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના ઇન્દોરના સરાફા બજારમાં પણ સોનામાં ભારે ધાતુઓની ભેળસેળને લગતી ફરિયાદો સામે આવી હતી. માસ્ટર કેપિટલ સર્વિસિસ લિમિટેડના ચીફ રિસર્ચ ઓફિસર ડૉ. રવિ સિંહના જણાવ્યા અનુસાર, સોનામાં રુથેનિયમ (Ruthenium), ઇરિડિયમ (Iridium) અને ઓસ્મિયમ (Osmium) જેવી ધાતુઓ ભેળવવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે. આ ધાતુઓ પાવડરના સ્વરૂપમાં હોય છે અને તેનું વજન પ્રમાણમાં વધારે હોય છે. આ પાવડર સોનામાં ભેળવવાથી તેની વાસ્તવિક માત્રામાં વધારો કર્યા વિના ઘરેણાંનું કુલ વજન વધારી શકાય છે. આવી રીતે તૈયાર કરાયેલા ઘરેણાં દેખાવમાં અસલી સોના જેવા જ લાગી શકે છે. ચિંતાની બાબત એ છે કે સામાન્ય એસિડ ટેસ્ટ, કસોટી પથ્થર અને જૂની કેરેટ તપાસવાની મશીનોથી આવી ભેળસેળ પકડવી મુશ્કેલ બની શકે છે. કેટલાક કારીગરોને ઘરેણાં બનાવતી વખતે સોનું ઓગાળવાની પ્રક્રિયામાં અપેક્ષા કરતાં ઓછી માત્રામાં સોનું મળતાં આ ગડબડની જાણ થઈ હોવાનું જણાવાયું છે.
જ્વેલર્સને ગુણવત્તા તપાસની પ્રક્રિયા મજબૂત કરવા સૂચના
GJCએ જ્વેલરી વ્યવસાય સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ અને રિટેલર્સને પોતાની ગુણવત્તા તપાસવાની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવા જણાવ્યું છે. સાથે જ BISના હોલમાર્કિંગ સંબંધિત નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. કાઉન્સિલે વેપારીઓ અને ગ્રાહકોને અપીલ કરી છે કે સોનામાં ભેળસેળ, છેતરપિંડી કે કોઈ શંકાસ્પદ વેપારી પ્રવૃત્તિની જાણ થાય તો GJC અથવા સીધા BISને તેની માહિતી આપે. રાજેશ રોકડેએ જણાવ્યું છે કે જો ભેળસેળના કિસ્સાની પુષ્ટિ થશે, તો કાઉન્સિલ સંબંધિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવશે અને છેતરપિંડીના હેતુથી આવી સામગ્રીનું ઉત્પાદન, સપ્લાય કે ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરશે. GJCના જણાવ્યા અનુસાર, દેશભરમાં કાઉન્સિલ સાથે 6 લાખથી વધુ જેમ્સ અને જ્વેલરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયેલા છે.
સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે આ 5 બાબતોનું ધ્યાન રાખો
GJCએ ગ્રાહકોને સોનાની ખરીદી વખતે કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી છે.
-
વિશ્વસનીય જ્વેલર પાસેથી ખરીદી: હંમેશાં જાણીતા અને વિશ્વાસપાત્ર જ્વેલર્સ પાસેથી જ સોનાનાં ઘરેણાં ખરીદો.
-
BIS હોલમાર્ક તપાસો: ઘરેણાં ખરીદતાં પહેલાં તેના પર હોલમાર્ક છે કે નહીં તેની ખાતરી કરો.
-
HUID નંબર ચકાસો: ઘરેણાં પરનો HUID નંબર BIS Care એપ દ્વારા તપાસો.
-
પાકું બિલ મેળવો: ખરીદી વખતે GST સહિતનું પાકું બિલ અવશ્ય લો અને તેમાં ઘરેણાંની વિગતો તપાસો.
-
સસ્તા સોનાની લાલચથી બચો: બજારભાવ કરતાં અસામાન્ય રીતે ઓછી કિંમતે મળતા સોનાની ખરીદી કરતાં પહેલાં તેની શુદ્ધતાની ખાતરી કરો.
GJCના વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તાએ પણ ગ્રાહકોને સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે તેની અસલિયત અને શુદ્ધતાની ચકાસણી કરવા અપીલ કરી છે. ખાસ કરીને હોલમાર્ક અને HUID નંબરની તપાસને છેતરપિંડીથી બચવાનો મહત્ત્વનો ઉપાય ગણાવ્યો છે.









