Video: નિકોલ આગકાંડ બાદ મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ. જવાબદારો સામે બે દિવસમાં પોલીસ ફરિયાદ થશે

સોર્સ: gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેસતા વર્ષની વહેલી સવારે સીઝનલ અને ફટાકડાના સ્ટોલમાં લાગેલી આગની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કડક વલણ અપનાવ્યું છે... આ ઘટનામાં જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવા એસ્ટેટ ખાતાને સૂચના આપી છે. પરવાનગી વિના જાહેર રોડ પર લારી અને સ્ટોલ ઊભા કરી ફટાકડાનું વેચાણ કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધવાની સૂચના આપવામાં આવી છે. બેસતા વર્ષના દિવસે વહેલી સવારે નિકોલના શુકન ચાર રસ્તા તરફ જતા રોડ પર ઉમા સ્કૂલ સામે કાચા મંડપમાં ફળ, ડ્રાયફ્રુટ, ચંપલ, ફૂલ અને ફટાકડા સહિતના સ્ટોલ ઊભા કરાયા હતા. આગળના ભાગમાં ફટાકડાના નાના સ્ટોલ અને લારીઓમાં આગ ફાટી નીકળતા તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના સ્ટોલને પણ ઝપેટમાં લીધા હતા. ફટાકડા ફૂટવા લાગતા અને રોકેટ તેમજ સ્કાય શોટ ઉડતા રોડ પર નાસભાગ મચી હતી. નિકોલ, ગોમતીપુર અને નરોડા ફાયર સ્ટેશનની ટીમોએ ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. જાહેર રોડ પર પ્રતિબંધ હોવા છતાં લારી અને સ્ટોલ ઊભા રખાતા એસ્ટેટ વિભાગ અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે, ત્યારે હવે પૂર્વ ઝોનના એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા તમામ વિગતો મેળવી બે દિવસમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત