Video: નિકોલમાં અકસ્માત બાદ નશામાં ધૂત કારચાલક સ્ટેરિંગ પર જ બેસી રહ્યો, ઈજાગ્રસ્તો પીડાથી કણસતા રહ્યા

સોર્સ: gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવસ્ય સર્કલ પાસે ફોર્ચ્યુનર કારના અકસ્માતની ગંભીર ઘટના સામે આવ્યા બાદ આરોપી ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે.  ફૂટપાથ પર માતા અને પુત્ર સોફા કવર વેચી રહ્યા હતા. તે દરમિયાન નશાની હાલતમાં ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા વિરલ ચૌધરીએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યાં હાજર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

કારચાલક નશાની હાલતમાં સ્ટેરિંગ પર જ બેસી રહ્યો

અકસ્મા‌ત બાદ ઘટનાસ્થળનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં એક તરફ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકો પીડાથી કણસતા જોવા મળે છે, તો બીજી તરફ કારચાલક નશાની હાલતમાં પોતાની ગાડીમાં બેઠેલો નજરે પડે છે. સ્થાનિક લોકો તેને કાર રિવર્સ લેવા માટે કહેતા હોવા છતાં તે કાર રિવર્સ લેતો ન હોવાનું વીડિયોમાં જોવા મળે છે. આ દૃશ્યોને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કારચાલક સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

નિકોલ પોલીસમાં પણ ગુનો દાખલ

જાહેરાત

પોલીસને ફોર્ચ્યુનર કારમાંથી બિયરના છ ટીન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત મામલે હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કારચાલક સામે અકસ્માત સંબંધિત જોગવાઈઓ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કારમાંથી બિયરના છ ટીન મળી આવવાના મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત