રાજ્યના સાણંદના જુવાલ ગામમાં એક વાડામાં 8 ફૂટ લાંબા અજગરનું કરાયુ રેસ્કયું

સાણંદ વિસ્તારના જુવાલ ગામમાં એક વાડામાં 8 ફૂટ લાંબો અજગર જોવા મળતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમયે રોહિતભાઈ અને રણજીતભાઈ દ્વારા અજગરને કોઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખી એનિમલ લાઈફ કેરના વાઇલ્ડલાઇફ એક્સપર્ટ વિજય ડાભીને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ વિજય ડાભી પોતાની ટીમ સાથે તમામ જરૂરી રેસ્ક્યુ સાધનો લઈને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 8 ફૂટ લાંબા અજગરને સહીસલામત બચાવી લેવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન અને નિયમો અનુસાર અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
વિજય ડાભીએ લોકોને અપીલ કરી હતી કે ગામડાં વિસ્તારમાં ઘણી વખત અજગર જોવા મળતા હોય છે. અજગર બિનઝેરી સાપ છે, છતાં અજ્ઞાનતાના કારણે લોકો તેને ઝેરી સમજીને મારી નાખે છે. કોઈપણ સાપ કે વન્યજીવ જોવા મળે ત્યારે તેને મારવો નહીં કે જાતે પકડવાનો પ્રયાસ કરવો નહીં. તાત્કાલિક એનિમલ લાઈફ કેર અથવા વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ.






