ચૂંટણી ફંડિંગના 843 કરોડના કથિત કૌભાંડમાં CA પ્રણવ શાહને મોટો ઝટકો, અમદાવાદ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

ડોનેશનના નાણાં રોકડમાં પરત કરવાના આક્ષેપો વચ્ચે કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, CID ક્રાઈમ કરી રહી છે તપાસ
ગુજરાતમાં રાજકીય પક્ષોના ચૂંટણી ફંડિંગ સાથે જોડાયેલા કથિત નાણાકીય કૌભાંડમાં અમદાવાદ કોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. આ કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રણવ રાજેશકુમાર શાહને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ નંબર-20એ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
CID ક્રાઈમ અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પ્રણવ શાહે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તેઓ આમ જનમત પાર્ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામગીરી કરતા હોવાનો ઉલ્લેખ છે.
તપાસમાં થયેલી રજૂઆત મુજબ, વર્ષ 2022થી 2024 દરમિયાન રાજકીય પક્ષોને કુલ 843.97 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. આ રકમમાંથી કમિશન કાપીને બાકીની રકમ દાતાઓને રોકડમાં પરત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર વ્યવહાર દ્વારા આવકવેરામાં ગેરકાયદેસર છૂટ મેળવવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તપાસ એજન્સીનો આક્ષેપ છે કે પ્રણવ શાહે જરૂરી દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની યોગ્ય ચકાસણી કર્યા વિના ઓડિટ સર્ટિફિકેટ આપ્યાં હતાં. આ કથિત ગેરરીતિના કારણે સરકારી તિજોરીને 250 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયાનો પણ આક્ષેપ છે.
જોકે, પ્રણવ શાહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ માત્ર ઓડિટર તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને કોઈ કમિશન મેળવ્યું નથી. બીજી તરફ, સરકારી પક્ષે તપાસના હિતમાં તેમની પૂછપરછ જરૂરી હોવાનું જણાવ્યું હતું.















