Video: ચોમાસું ગયું પણ આફત ન ટળી! ધોળકાના બદરખામાં ગંદા પાણીથી હાહાકાર, તહેવારોમાં ગામ બન્યું નર્કાગાર!

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસાની ઋતુ વિદાય લઈ ચૂકી છે, તેમ છતાં બદરખા ગામના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી અને ગંદા પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. ખાસ કરીને બદરખાથી સરોડા જતા બળિયાદેવ મંદિર વિસ્તાર તેમજ દલિત વિસ્તાર તરફ જતા મુખ્ય માર્ગો લાંબા સમયથી ગંદા પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
દિવાળી જેવા તહેવારોમાં પણ નર્કાગાર જેવી સ્થિતિ
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેના કારણે દિવાળી અને બેસતા વર્ષ જેવા પવિત્ર તહેવારોમાં પણ ગ્રામજનો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોએ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળવાથી વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર પણ જોખમી બની ગઈ છે.
માછલીઓ મરી જતાં તીવ્ર દુર્ગંધ, ચામડીના રોગોનો ખતરો
પાણી ભરાઈ રહેવાને કારણે તેમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી છે, જેને લીધે સમગ્ર વિસ્તારમાં અસહ્ય અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ દૂષિત પાણીમાંથી દરરોજ પસાર થવાને લીધે સ્થાનિક લોકોના પગમાં ખંજવાળ, ફોલ્લીઓ અને ચામડીના ગંભીર રોગો થવાની ફરિયાદો ઊઠી રહી છે. સ્થિતિ જોતાં ગામમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે.
હવે ત્રસ્ત બનેલા ગ્રામજનો તંત્ર અને સરકાર પાસે એક જ આક્રંદ કરી રહ્યા છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર જાગે, તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને વિસ્તારમાં સઘન સફાઈ અભિયાન ચલાવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે.











