બીમાર માતાને મળવા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં માગ્યા વચગાળાના જામીન

બળાત્કાર કેસમાં જેલમાં બંધ નારાયણ સાંઈએ વચગાળાના જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
પોતાની બીમાર માતાને મળવા માટે નારાયણ સાંઈ દ્વારા હાઈકોર્ટમાં વચગાળાના જામીનની અરજી કરવામાં આવી છે. અરજીમાં માતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપવાની સાથે પોતે પણ અનેક બીમારીઓથી પીડાતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
નારાયણ સાંઈની અરજીને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે કેસની વર્તમાન સ્થિતિ અંગે અહેવાલ માગ્યો છે. બીજી તરફ, માતાની તબિયતને ધ્યાનમાં રાખીને અરજીની વહેલી સુનાવણી હાથ ધરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
જાહેરાત
આ મામલે હવે આગામી 27 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. ખાસ વાત એ છે કે વચગાળાના જામીનની અરજી અને નારાયણ સાંઈની મુખ્ય અપીલ પર એકસાથે સુનાવણી કરવામાં આવશે.
હવે 27 નવેમ્બરની સુનાવણીમાં હાઈકોર્ટ નારાયણ સાંઈની વચગાળાના જામીનની માગ અંગે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.
જાહેરાત




