Video: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓ ભણશે 'સિવિક સાયન્સ

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ નાગરિક ફરજો અને સામાજિક જવાબદારીની ભાવના કેળવાય તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસક્રમની સાથે 'સિવિક સાયન્સ ના પાઠ ભણાવવામાં આવશે.આ નવતર પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે તૈયાર કરવાનો છે. આ અભ્યાસક્રમ અંતર્ગત બાળકોને રોજિંદા જીવનમાં ઉપયોગી એવા પાયાના નિયમો જેવા કે સ્વચ્છતા જાળવવી, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જાહેર મિલકતોને નુકસાન ન પહોંચાડવું તેમજ પાણી અને વીજળીનો બચાવ કરવા જેવી બાબતોનું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક શિક્ષણ આપવામાં આવશે.શિક્ષણ સમિતિના આ નિર્ણયથી મ્યુનિસિપલ શાળાઓના હજારો વિદ્યાર્થીઓમાં નાનપણથી જ શિસ્ત, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને શહેર પ્રત્યે પોતાપણાની ભાવના વિકસશે. આગામી સમયમાં શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ, વર્કશોપ અને પ્રોજેક્ટ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને સિવિક સેન્સના પાઠ શીખવવામાં આવશે, જેની સીધી હકારાત્મક અસર ભવિષ્યમાં શહેરની સ્વચ્છતા અને વ્યવસ્થા પર જોવા મળશે.















