અમદાવાદના રસ્તાઓ પર ફરતા 15 વર્ષ જૂના વાહનો સીઝ કરો, AMC કમિશ્નરનો આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરએ બુધવારે યોજેલી રિવ્યુ બેઠકમાં શહેરમાં પ્રદૂષણ નિયંત્રણથી લઈને જાહેર સુવિધાઓની જાળવણી અને દબાણો દૂર કરવા સુધીના મુદ્દે અધિકારીઓને આકરા નિર્દેશ આપ્યા હતા. બેઠકમાં ડેપ્યુટી કમિશનરો અને સંબંધિત અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે તેમની કાર્યપદ્ધતિની પણ ટીકા કરી હતી. અગાઉના ડેપ્યુટી કમિશનરોના કાર્યકાળમાં આવા પ્રશ્નો તેમની સમક્ષ આવતા નહોતા તેવી ટકોર પણ તેમણે કરી હતી.
પ્રદૂષણ નિયંત્રણના મુદ્દે આરટીઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી. એરપોર્ટ અને રાયખડ વિસ્તારમાં નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહેલાં બાંધકામનાં સ્થળોને સીલ કરવા કમિશનરે સૂચના આપી હતી. આ ઉપરાંત 15 વર્ષથી જૂનાં વાહનો સીઝ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. પ્રદૂષણ નિયંત્રણ માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાથે કડક કાર્યવાહી કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.
બસ સ્ટેન્ડ પર લાઇન દોરાવા કમિશનરની તાકીદ
શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે 4,500 બસ સ્ટેન્ડ પર લાઇન દોરવાની કામગીરી ઝડપી બનાવવા પણ કમિશનરે તાકીદ કરી હતી. બસ સ્ટેન્ડ પર યોગ્ય માર્કિંગ થાય જેથી બસો નિર્ધારિત જગ્યાએ જ ઊભી રહે અને ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ન સર્જાય તે દિશામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
દબાણો દૂર નહીં કરનાર અધિકારીઓને શો-કોઝ નોટિસની ચીમકી
શહેરમાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી અને શાકમાર્કેટની આસપાસનાં રસ્તાઓ પરનાં દબાણો દૂર કરવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવાની ચીમકી કમિશનરે ઉચ્ચારી હતી. કામગીરીમાં ઢીલાશ દાખવનારા અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની પણ વાત કરવામાં આવી હતી.
શૌચાલયોની જાળવણીમાં ખામી બદલ અધિકારીઓને ટકોર
બેઠકની શરૂઆત જાહેર શૌચાલયોના બ્લોક અંગેના પ્રેઝન્ટેશનથી કરવામાં આવી હતી. પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં શૌચાલયોની જાળવણીમાં અનેક ખામીઓ સામે આવી હતી. ક્યાંક પેઇન્ટિંગ યોગ્ય રીતે થયું નહોતું તો ક્યાંક દરવાજા, બારીઓ, લાઇટ અને પાઇપલાઇનની સમસ્યાઓ હતી. આ મુદ્દે કમિશનરે ડેપ્યુટી કમિશનરોને આડે હાથે લેતાં કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. શૌચાલયોની આસપાસનાં દબાણો દૂર કરવા પણ સૂચના આપી હતી.
શહેરમાં 52 નવા શૌચાલય બ્લોક બનાવવાનું આયોજન છે, જેમાંથી 27 સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ સ્થળોએ કામગીરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ, સ્માર્ટ ટોઇલેટની વાસ્તવિક સ્થિતિ જાણવા વિજિલન્સ ટીમ દ્વારા સર્વે કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
76 ટકા કચરાનું સેગ્રિગેશન, ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણતાને આરે
ઘન કચરાના વ્યવસ્થાપન અંગેની સમીક્ષામાં શહેરમાં 76 ટકા કચરાનું સેગ્રિગેશન થતું હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત ડિજિટલાઇઝેશનની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ હોવાનું બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. 'સંવેદના' પ્રોજેક્ટ અંતર્ગત બલ્ક વેસ્ટ જનરેટ કરતી હાઉસિંગ સોસાયટીઓ અને મોલમાંથી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ એકત્રિત કરવા વાહનો મોકલવામાં આવશે. આ વસ્તુઓ જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો સુધી પહોંચાડવાની યોજના છે. બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા થઈ હતી. પુસ્તક મેળામાં એકત્રિત થયેલાં 2,000થી વધુ પુસ્તકો મ્યુનિસિપલ સફાઈ કામદાર કલ્યાણ બોર્ડના સફાઈ કામદારોનાં બાળકોને વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં નાની ઉંમરથી જ નાગરિક તરીકેની ફરજ અને સિવિક સેન્સ વિકસે તે માટે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ તાલીમ આપવાની સૂચના આપવામાં આવી હતી.













