Video: અમદાવાદના ફ્લેટમાં દિવાળીના પર્વે ખીલ્યો સામાજિક એકતા અને વેપારનો અનોખો રંગ!

અમદાવાદના ફ્લેટમાં દિવાળીના પર્વે ખીલ્યો સામાજિક એકતા અને વેપારનો અનોખો રંગ!
ઓરચીડ એક્ઝોટીકા ફ્લેટના રહીશો દ્વારા ૨૦ જેટલા આકર્ષક સ્ટોલ્સનું સફળ આયોજન!
દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે બજારોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ અમદાવાદમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયી અને અનોખો અહેવાલ સામે આવ્યો છે. મકરબા વિસ્તારમાં આવેલા ઓરચીડ એક્ઝોટીકા ફ્લેટના રહીશોએ પોતાના જ ફ્લેટના પરિસરમાં એક ભવ્ય મીની બજાર ઊભું કર્યું છે. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પડોશીઓ જ વેપારી બન્યા છે અને પડોશીઓ જ ગ્રાહક બનીને ખરીદી કરી રહ્યા છે, જેણે દિવાળીની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફ્લેટના રહીશો દ્વારા અંદાજે ૨૦ જેટલા અલગ-અલગ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ખાણીપીણી, સુંદર જ્વેલરી, કપડાં, વાસણો અને હોમ ડેકોરેશન જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. દરેક સ્ટોલ પાછળ કોઈને કોઈ રહીશની મહેનત અને તેમની ખાસ કલાકારીગરી છુપાયેલી છે. સ્ટોલ સંચાલકે પોતાના અનુભવ વિશે જણાવ્યું કે ઘરે બેસીને નાની-મોટી ચીજવસ્તુઓ કે જ્વેલરી બનાવતા લોકોને આ પ્લેટફોર્મ મળવાથી પોતાની પ્રતિભા રજૂ કરવાનો અને વેચાણ કરવાનો ભારે આનંદ મળ્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી આ ફ્લેટમાં દિવાળીના પર્વે આ પ્રકારે બજારનું આયોજન કરવામાં આવે છે. અલગ-અલગ પૃષ્ઠભૂમિ અને કોમ્યુનિટીના લોકો એક જ પરિસરમાં રહેતા હોવા છતાં, આ તહેવાર તેમના માટે એકબીજાની નજીક આવવાનું માધ્યમ બની જાય છે. ખરીદી કરનાર સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે પોતાના જ પડોશીઓ પાસેથી ખરીદી કરવાનો આનંદ જ અલગ છે અને અહીંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરીને એકબીજાને પ્રોત્સાહન આપી રહ્યા છે. કલ્ચર કમિટીના મેમ્બરે જણાવ્યું કે આ આયોજનનો હેતુ માત્ર નફા-નુકસાનનો નથી, પરંતુ ફ્લેટના રહીશોની મહેનત અને આવડતને સન્માન આપવાનો છે. લોકો ઉત્સાહભેર ખરીદી કરીને સ્ટોલ સંચાલકોનો હોંસલો વધારી રહ્યા છે. આ રીતે દિવાળીનો પર્વ માત્ર ખરીદી પૂરતો મર્યાદિત ન રહેતા એક સામાજિક એકતા અને ભાઈચારાના મહાપર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે.
ઓરચીડ એક્ઝોટીકા ફ્લેટમાં સર્જાયેલું આ મીની બજાર સમાજને એક સુંદર સંદેશ આપી રહ્યું છે કે જ્યાં વેપારની સાથે સંબંધોનું પણ સાચું રોકાણ થાય છે. પડોશીઓ એકબીજાના સહયોગથી સ્થાનિક કળાને આગળ ધપાવી રહ્યા છે, જેના કારણે આ દિવાળી સૌના જીવનમાં એકતા અને આત્મીયતાનો સાચો પ્રકાશ ફેલાવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી











