શીલજ હિટ એન્ડ રન કેસમાં તપાસ સામે સવાલ, બ્લડ ટેસ્ટ મામલે પોલીસ-આરોપીના નિવેદનોમાં વિરોધાભાસ

અમદાવાદના શીલજના ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે ગત 11 નવેમ્બરના રોજ સવારે એક રેન્જ રોવર કારચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક પર સવાર એક યુવકનુ ગંભીર ઇજા થવાના કારણે મોત થયુ હતુ. અકસ્માતની પોલીસ તપાસમાં ઘટનાને અંજામ આપનાર કારચાલક ધારાસભ્ય દિનેશ કુશવાહનો ભત્રીજો રાઘવેન્દ્ર કુશવાહ હોવાનુ જણાયુ હતુ. સમગ્ર મામલે સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ અને આરોપીએ મીડિયાને આપેલા જવાબમાં મોટી વિસંગતતાઓ જોવા મળી રહી છે. જ્યારે આરોપીના બ્લડ સેમ્પલ અંગે પૂછતાં DySpએ વાત ટાળીને કહ્યું કે, 'આરોપીએ કોઈ નશો કર્યો નહીં હોવાનું જાણવા મળ્યુ હતુ.' બીજી તરફ, આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેનો બ્લડ ટેસ્ટ ગુરુવારે(12 નવેમ્બર) થઈ ગયો છે. પણ ક્યાં થયો છે એનો જવાબ તેને આપ્યો નહોતો.
MLAના ભત્રીજાને બચાવવા ધમપછાડા?
હવે પોલીસની આ કામગીરી ઉપરથી કહી શકાય કે વગદાર લોકો સામે સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કિંમત જ હોતી નથી. જો કોઈ નેતા કે ધારાસભ્યના સંતાન હોય તો પોલીસ ભાગવાનો મોકો આપતી હોય અને અકસ્માત બાદ જરૂરી ટેસ્ટ પણ કરાવવાનું ટાળતી હોય તેવું આ કામગીરી પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. હાઈટેક યુગમાં આરોપીનુ પગેરું ગણતરીના કલાકમાં મેળવીને તેની ધરપકડ કરતી પોલીસ 17-17 કલાક થવા છતાં આરોપીના ઘરે જઈને તેની ધરપકડ કરે છે અને પછી જરૂરી બ્લડ ટેસ્ટ પણ કરાવતી નથી અને સામાન્ય કલમો ઉમેરી હોવાથી તેને ગણતરીના કલાકોમાં જામીન આપી દે છે.
DySpએ શું કહ્યુ?
શીલજમાં થયેલા અકસ્માત અંગે DySpએ જણાવ્યું કે, 'આ કેસમાં આરોપી રાઘવેન્દ્ર કુશવાહ પોતાના એક મિત્રની પાર્ટીમાં કલોલ ગયો હતો અને ત્યાંથી પાછા ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ડ્રાઇવરે કોઈ નશો કર્યો હોવાનું તપાસમાં જણાતુ નથી. આ ગુનો 11 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો અને અમે આરોપીની 12 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કરીને તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. FSL તપાસ પણ કરવામાં આવશે. નશો કર્યો છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.'
મહત્ત્વનું છે કે, બ્લડ ટેસ્ટ મામલે સવાલ પૂછતાં DySpએ જવાબ આપવાનુ ટાળ્યુ હતુ. પોલીસ અધિકારીએ કહ્યુ કે, 'કાર રાઘવેન્દ્રના પિતા મહેશ કુસવાહની માલિકીની છે. આરોપી કન્સ્ટ્રક્શન અને રીયલ એસ્ટેટનો ધંધો કરે છે. અકસ્માત બાદ આરોપી ઘરે જ ગયો હતો. અત્યાર સુધીની તપાસમાં આરોપી સામે અગાઉ કોઈ ગુના નોંધાયા નથી, આ અંગે તપાસ કરાશે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે, આરોપીનુ નિવેદન લેવામાં આવ્યું છે અને આગળ પણ જો કોઈ પુરાવા મળશે તો તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'
આરોપીનું મીડિયા સમક્ષ નિવેદન
અકસ્માત સર્જનારો રાઘવેન્દ્ર કુશવાહે મીડિયા સમક્ષ જણાવ્યું કે, 'હું શીલજથી સામાન્ય ગતિમાં આવી રહ્યો હતો ત્યારે અચાનક સામેથી એક બાઇકવાળો આવી ગયો. ત્યાં હું પણ ઊભો રહ્યો અને તે પણ ઊભો રહ્યો, પછી તેને લાગ્યું કે હવે નીકળું જવાશે. એટલામાં હું નીકળ્યો એટલે બંને સાથે નીકળતા ભટકાઈ ગયા. હું તો સામાન્ય ગતિમાં જ હતો અને આ રીતે જ બધું થઈ ગયું, બીજું કંઈ નહોતુ. અકસ્માત પછી હું પૂરો ડરી ગયો હતો અને પબ્લિકના ડરથી ભાગી ગયો હતો. મારી ગાડીમાં મારા બધા મિત્રો હતા અને હું મિત્રની પ્લોટિંગ સ્કીમ પર ગેટ-ટુ ગેધરમાં ગયો હતો, જ્યાંથી નીકળીને ઘરે જઈ રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર થયો ત્યારે મેડિકલ થયુ હતુ.'
શું હતી ઘટના?
ગત 11 નવેમ્બર, 2026ના રોજ શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે વહેલી સવારે 7 વાગ્યે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. રેપિડો ચાલક પ્રદીપ કુમાર અને તેમની પાછળ બેઠેલા 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયાને રાઘવેન્દ્ર કુશવાહ નામના કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વતની અને હાલ શાસ્ત્રીનગરમાં રહેતા હર્ષદકુમારનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. અકસ્માત સર્જીને રેન્જ રોવર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે ઘટનાના 17 કલાક બાદ કારચાલક રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી હતી અને પછી જામીન આપી દીધા હોવાનું ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યુ હતુ. તેવામાં આરોપી રાઘવેન્દ્ર બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો હોવાનું જણાયું હતું. અકસ્માતના ગુનામાં પોલીસે રેન્જ રોવર કાર જપ્ત કરી હતી.
આ પહેલા પણ અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલના દીકરાએ પણ દારૂના નશામાં કાર ચલાવીને અકસ્માત કર્યો હતો. ગત 22 માર્ચની રાત્રે દૂધેશ્વર સર્કલ પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને તેણે પોલીસ સાથે તકરાર પણ કરી હતી. સ્થાનિક લોકોએ તેની કારમાંથી દારૂની બોટલો જોઈને 112 નંબર પર પોલીસને જાણ કરી હતી, આ પછી માધવપુરા પોલીસે તેને સ્ટેશન લઈ જઈને રાજકીય નેતાનો દીકરો હોવાથી સમાધાન કરી છોડી મૂક્યો હતો. જો કે, આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ PIએ ગુનો નોંધવાનુ કહ્યુ હતુ. જ્યારે હિંમતસિંહે ગાડી પોતાના દીકરાની હોવાનું સ્વીકાર્યું હતુ. નોંધનીય છે કે, અગાઉ 1 ફેબ્રુઆરીના રોજ તેમનો ભાણિયો વિશાલ ગુર્જર પણ મણિનગરમાં દારૂના નશામાં 2 વાહનોને ટક્કર મારીને લોકો દ્વારા ઝડપાયો હતો.














