તહેવારની ઉજવણી વચ્ચે મારામારી અને અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો, 108ને ત્રણ દિવસમાં મળ્યા 18,513 કોલ્સ

તહેવારની ઉજવણી વચ્ચે મારામારી અને અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો, 108ને ત્રણ દિવસમાં મળ્યા 18,513 કોલ્સ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન 108 ઈમરજન્સી સેવાઓને સામાન્ય દિવસોની સરખામણીએ 13.07 ટકાથી 25.67 ટકા સુધી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. 8 નવેમ્બર દિવાળી, 10 નવેમ્બર બેસતું વર્ષ અને 11 નવેમ્બર ભાઈબીજ એમ ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કુલ 18,513 ઈમરજન્સી કેસો નોંધાયા છે, જે સામાન્ય દિવસોના દૈનિક સરેરાશ 5,248 કેસ કરતા ઘણા વધારે છે. તહેવારોમાં મુસાફરી વધવાને કારણે માર્ગ અકસ્માત અને મારામારીના બનાવોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે.

3 દિવસમાં 3,785 માર્ગ અકસ્માત, ટુ-વ્હીલર અકસ્માતો સૌથી વધુ

જાહેરાત

સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 646 માર્ગ અકસ્માત નોંધાય છે. તેની સામે દિવાળીના દિવસે 1,212 (87.62% વધારો), બેસતા વર્ષે 1,541 (138.54% વધારો) અને ભાઈબીજે 1,032 (59.75% વધારો) અકસ્માતના કેસ સામે આવ્યા છે.

વાહન મુજબ આંકડા: બેસતા વર્ષે ટુ-વ્હીલર અકસ્માતના 1,243 (146.63% વધારો), થ્રી-વ્હીલરના 87 (155.88% વધારો) અને ફોર-વ્હીલરના 164 (105.00% વધારો) કેસ નોંધાયા છે.
જિલ્લાવાર સ્થિતિ: ત્રણેય તહેવારો દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ 437 (દિવાળી 137, બેસતું વર્ષ 178, ભાઈબીજ 122) અને સુરતમાં 298 અકસ્માતના કેસ નોંધાયા છે.

મારામારી અને દાઝવાના બનાવોમાં પણ વધારો

બિન-વાહન સંબંધિત ઈજાઓમાં પણ દિવાળીએ 75.29% (1,043 કેસ) અને બેસતા વર્ષે 57.65% (938 કેસ)નો વધારો થયો છે.

મારામારી: સામાન્ય દિવસોના સરેરાશ 204 કેસની સામે દિવાળીએ 508 (149.02% વધારો), બેસતા વર્ષે 481 (135.78% વધારો) અને ભાઈબીજે 333 (63.24% વધારો) કેસ નોંધાયા છે. મારામારીના સૌથી વધુ કેસ અમદાવાદમાં ત્રણ દિવસમાં કુલ 296 (90, 122 અને 84) નોંધાયા છે.
દાઝવાના કેસ: સામાન્ય દિવસોના 11 કેસની સામે દિવાળીએ 62, બેસતા વર્ષે 26 અને ભાઈબીજે 21 લોકો દાઝ્યા હોવાના કોલ 108ને મળ્યા હતા. જેમાં દિવાળીએ અમદાવાદમાં 13 અને સુરતમાં 12 કેસ નોંધાયા હતા.

મહાનગરોમાં ઈમરજન્સી કોલ્સ વધ્યા

તહેવારોમાં લોકોની અવરજવર વધતા મહાનગરોમાં ઈમરજન્સી કોલ્સ વધ્યા હતા. દિવાળીના દિવસે સુરતમાં 10.91% અને રાજકોટમાં 6.76% કોલ્સ વધ્યા હતા. બેસતા વર્ષે વડોદરામાં 25.67%, રાજકોટમાં 21.71% અને અમદાવાદમાં 13.52%નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ભાઈબીજના દિવસે રાજકોટમાં 14.59%, વડોદરામાં 9.58% અને અમદાવાદમાં 7.89% વધુ કોલ્સ નોંધાયા હતા. 108ની ટીમ દ્વારા અગાઉથી કરાયેલા આયોજન અને ફિલ્ડ કોઓર્ડિનેશનના કારણે તમામ ઈમરજન્સી સેવાઓ અવિરત ચાલુ રહી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત