Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Police bust black market ticket racket ahead of IPL final in Ahmedabad, 5 arrested

અમદાવાદમાં IPLની ફાઇનલ પૂર્વે ટિકિટોના કાળાબજારીનું રેકેટ, પોલીસે 5 શખ્સોને દબોચ્યા

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં IPLની ફાઇનલ પૂર્વે ટિકિટોના કાળાબજારીનું રેકેટ, પોલીસે 5 શખ્સોને દબોચ્યા
સોર્સ : gstv

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 31મી મેના રોજ યોજાનારી IPL 2026ની ફાઇનલ મેચ પહેલાં ટિકિટોનું કાળાબજાર (બ્લેક માર્કેટિંગ) કરતાં બે અલગ-અલગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરની ચાંદખેડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ઊંચા ભાવે વેચવા માટે રાખેલી ફાઇનલ મેચની ટિકિટો તેમજ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.

App Store

ચાંદખેડા પોલીસે ન્યૂ CG રોડ પરથી 3 યુવાનોને દબોચ્યા

મળતી માહિતી અનુસાર, ચાંદખેડા પોલીસની સર્વેલન્સ ટીમને 29મી મેના રોજ માહિતી મળી હતી કે ન્યૂ CG રોડ પર કેટલાક લોકો ક્રિકેટ રસિકોને આઇપીએલ ફાઇનલની ટિકિટો કાળાબજારમાં વેચી રહ્યા છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ત્યાંથી 21 વર્ષીય ઇશાન ભટ્ટ અને 21 વર્ષીય નિર્મલકુમારની અટકાયત કરી હતી, જેઓ મૂળ રાજસ્થાનના છે અને હાલ અમદાવાદમાં રહે છે.

સાક્ષીઓની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન તેમની પાસેથી IPL ફાઇનલની બે ટિકિટ મળી આવી હતી. આ ટિકિટોની સત્તાવાર કિંમત 3500 રૂપિયા હતી, પરંતુ તેઓ ગ્રાહકો પાસે પ્રતિ ટિકિટ 15000 રૂપિયા (મૂળ કિંમત કરતાં ચાર ગણી વધુ) વસૂલી રહ્યા હતા.

પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું હતું કે, આ ટિકિટો તેમને બાપુનગરની હોટલમાં રોકાયેલા ઋષભ ચંદ્ર દર્લેશા જૈન નામના યુવકે પૂરી પાડી હતી. પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. ઋષભે સ્વીકાર્યું હતું કે તેણે મૂળ કિંમતે ટિકિટો ખરીદી હતી અને આ બંનેને ઊંચા ભાવે વેચવા આપીને બદલામાં કમિશન આપવાનું વચન આપ્યું હતું.

સિંધુ ભવન રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોને પકડ્યા

બીજી તરફ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સિંધુ ભવન રોડ પરથી બે શખ્સો ટિકિટોનું કાળાબજાર કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને બોડકદેવના 19 વર્ષીય માન પટેલ અને ગોમતીપુરના સફીક ઉર્ફે બન્ની મોહમ્મદ અયુબ અંસારીને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બ્લોક Fની 3500 રૂપિયાની કિંમતની કુલ 4 ટિકિટો જપ્ત કરી હતી, જે તેઓ ક્રિકેટ ચાહકોને 10000 રૂપિયામાં ટિકિટ વેચવાનો પ્રયાસ કરતા હતા. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે અગાઉથી ઓનલાઇન ટિકિટો બુક કરાવી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મેચ ટિકિટો ઉપરાંત મોબાઇલ ફોન મળી કુલ 1.25 લાખ રૂપિયાની કિંમતના બે સ્માર્ટફોન જપ્ત કર્યા છે અને તેની તપાસ શરૂ કરી છે.

પોલીસની કડક કાર્યવાહી અને તપાસ

ઝડપાયેલા તમામ પાંચેય આરોપીઓ સામે ગુજરાત પોલીસ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ અનધિકૃત વેચાણ અને નફાખોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આરોપીઓ ટિકિટોના કાળાબજાર કરતાં કોઈ મોટા સંગઠિત નેટવર્ક કે ગેંગ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, 31 મેના રોજ યોજાનારી ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે.