અમદાવાદ : બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ટ મુક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોએ મૃતદેહનો કર્યો અસ્વીકાર
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીને હૃદયમાં સ્ટેન્ટ મુક્યા બાદ તે

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીને હૃદયમાં સ્ટેન્ટ મુક્યા બાદ તેનું મોત થયુ છે. મૃતક દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાનો આરોપ લગાવીને હોબાળો કર્યો હતો, સાથે મૃતદેહનો પણ અસ્વીકાર કર્યો છે.
એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ મોત
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈ નામની વ્યક્તિને મોડી રાત્રે દુખાવો થતાં કાકડીયા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. આજે સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેમની તબિયત વધારે બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું.
PMJAY કાર્ડમાં એપ્રુવલ આવ્યા વિના ડોકટરોએ કરી નાખ્યું ઓપરેશન
ભાજપના નેતા પૂર્વ મંત્રી એવા વલ્લભ કાકડીયાની હોસ્પિટલના ડોક્ટરોએ હજી દર્દીનું મા કાર્ડ આવ્યું ને તરત જ નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરીનાખ્યું હતું. PMJAY કાર્ડમાંથી એપ્રુવલ આવ્યા પહેલા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. જો સારવારનો ખર્ચ મોટો થાય તો પરિવારજનો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોત તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
મારા પતિને માત્ર ગેસની તકલીફ હતી, કોઈ એટેક પણ આવ્યો ન નહોતો
મૃતકના પત્ની જ્યોત્સનાબેને જણાવ્યું હતું, "ડોક્ટરોની બેદરકારીથી મારા પતિનું મોત થયું છે, હું સાજા લઈને આવી હતી, તેમને માત્ર ગેસની તકલીફ હતી. કોઈ એટેક પણ આવ્યો નહોતો. એમનેમ જ ચીરી નાખ્યા આ લોકોએ. મને ન્યાય જોઈએ. મારે મારો ઘરવાળો જોઈએ...હવે મારે કોનો આધાર..? મારે કોઈ બાળક પણ નથી, મારે એ જ આધાર હતો. મારે ન્યાય જોઈએ, મારે મારો ઘરવાળો પાછો જોઈએ..."
ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ : પરિવારજનો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY અંતર્ગત દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ દર્દીની લાશને સ્વીકારશે નહીં તેમ જણાવ્યું છે. પરિવારજનો દ્વારા હંગામો કરવામાં આવતા શહેરકોટડા પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે.








