અમદાવાદ બુક ફેસ્ટિવલમાં 4 લાખથી વધુ મુલાકાતીઓ, પુસ્તક વેચાણ ₹5 કરોડને પાર

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026 (AIBF)નું ભવ્ય સમાપન થયું છે. 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ચાલેલા નવ દિવસીય પુસ્તક મહોત્સવમાં 4 લાખથી વધુ પુસ્તકપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, વાચકો અને પરિવારો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક સર્વે અને પ્રદર્શકો પાસેથી મળેલી માહિતીના આધારે આ વર્ષે પુસ્તક વેચાણનો આંકડો અંદાજે ₹5 કરોડને પાર થવાની શક્યતા છે.
498 સ્ટોલ પર 191 પ્રદર્શકોની ભાગીદારી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ મહોત્સવમાં 191 પ્રદર્શકોએ કુલ 498 સ્ટોલ ઊભા કર્યા હતા. વિવિધ વિષયોનાં પુસ્તકો, સાહિત્યિક કૃતિઓ, શૈક્ષણિક પુસ્તકો અને સર્જનાત્મક પ્રકાશનો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પરંપરાગત વાચકો ઉપરાંત સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતા કન્ટેન્ટ ક્રિએટર્સમાં પણ મેળા પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો.
150થી વધુ વક્તાઓ અને સાહિત્યકારોની હાજરી
મહોત્સવ દરમિયાન સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સાત અલગ-અલગ ટ્રેક હેઠળ કુલ 111 નિર્ધારિત સેશન યોજાયાં હતાં. મુખ્ય મંચ 'રંગમંચ' પર 47 કવિઓ, ગાયકો અને વક્તાઓએ પોતાની પ્રસ્તુતિ આપી હતી. ચિલ્ડ્રન્સ પેવેલિયનમાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટે 35 સેશન યોજાયાં હતાં. ઓથર્સ કોર્નરમાં 31 લેખકો અને મહેમાનોની ઉપસ્થિતિમાં 13 સેશન યોજાયાં હતાં. યુનિવર્સિટી પેવેલિયનમાં પણ વિવિધ વિષયો પર ચર્ચા અને સંવાદના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત લેખન વર્કશોપ, પુસ્તક વિમોચન અને વ્યાખ્યાનો સહિતની પ્રવૃત્તિઓમાં 150થી વધુ વક્તાઓ અને સાહિત્યિક-સાંસ્કૃતિક ક્ષેત્રના મહેમાનોએ ભાગ લીધો હતો.
સ્ટાર્ટઅપ અને આર્ટ-ક્રાફ્ટ વર્કશોપ બન્યાં આકર્ષણ
આ વર્ષે પુસ્તક મેળામાં સ્ટાર્ટઅપ એક્ઝિબિશન તથા આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવીન વિચારો, ઉદ્યોગસાહસિકતા અને હસ્તકલાને પ્રોત્સાહન આપતા આ વિભાગોને પણ મુલાકાતીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્કલ્પચર સ્ટુડિયોમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને આર્ટ ઇન્સ્ટોલેશનના જીવંત ડેમો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવાનો પ્રયાસ
યુવા પેઢીમાં વાંચનનો શોખ વધે તે હેતુથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશેષ મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ પેવેલિયન, લેખકો સાથેના સંવાદ અને શૈક્ષણિક વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પુસ્તક દાન અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ
મહોત્સવમાં 'પુસ્તકની પરબ' નામે વિશેષ સ્ટોલ ઊભો કરાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ પુસ્તકોનું દાન કર્યું હતું. સાથે જ કચરાના વર્ગીકરણની વ્યવસ્થા અને 'રિડ્યુસ-રીયુઝ-રિસાયકલ' (Reduce-Reuse-Recycle) અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ ડેસ્ક પણ કાર્યરત કરાયો હતો. નિઃશુલ્ક પ્રવેશ અને પાર્કિંગની સુવિધા સાથે યોજાયેલા આ મહોત્સવે અમદાવાદના સાંસ્કૃતિક અને સાહિત્યિક જીવનમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. પુસ્તકપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સાહિત્યકારોને એક મંચ પર લાવીને આ મહોત્સવે શહેરમાં વાંચન અને જ્ઞાનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે.











