દિવાળી પહેલાં CNGના ભાવ રૂ.100ને પાર, રિક્ષાચાલકોની મુશ્કેલીમાં વધારો; સરકાર પાસે ભાવ નિયંત્રણની માંગ

દીવાળીના તહેવાર પહેલાં જ CNGના ભાવમાં થયેલા વધારાએ રિક્ષાચાલકોની ચિંતામાં વધારો કર્યો છે. અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.30નો વધારો કરવામાં આવતા નવો ભાવ રૂ.100ને પાર પહોંચ્યો છે. આ ભાવવધારાની સીધી અસર રિક્ષાચાલકોની રોજીરોટી પર પડી રહી છે.રિક્ષાચાલકોનું કહેવું છે કે પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે CNGના ભાવમાં વારંવાર વધારો થવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. રિક્ષા ચલાવીને થતી આવકનો મોટો હિસ્સો હવે CNG ભરાવવામાં જ ખર્ચાઈ રહ્યો છે. પરિણામે દિવસભરની મહેનત બાદ પણ પૂરતી બચત થતી નથી.રિક્ષાચાલકોની માંગ છે કે સરકાર CNGના ભાવવધારા પર અંકુશ લાવે અને અદાણી કંપની દ્વારા કરવામાં આવતા ભાવવધારા અંગે યોગ્ય પગલાં ભરે. તેમનું કહેવું છે કે CNGના ભાવ રૂ.100ને પાર પહોંચતા સામાન્ય રિક્ષાચાલકો પર આર્થિક બોજ વધ્યો છે. તહેવારોના સમયમાં ભાવવધારો તેમના માટે વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.આ મામલે રિક્ષાચાલક વિરાજભાઈએ પણ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી છે. રિક્ષાચાલકોનો સવાલ છે કે જો CNGના ભાવ આ રીતે વધતા રહેશે તો સામાન્ય રિક્ષાચાલક પોતાની રોજીરોટી કેવી રીતે ચલાવશે? હવે જોવાનું એ રહેશે કે રિક્ષાચાલકોની આ રજૂઆત બાદ સરકાર ભાવ નિયંત્રણ માટે કોઈ પગલાં ભરે છે કે નહીં.








