નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરના ત્રણ નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરના ત્રણ નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ત્રણ નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં અમદાવાદમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 49થી વધીને 52 થઈ છે. દિવાળીના પર્વ અને રમા એકાદશીના શુભ અવસરે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને ફરિયાદ નોંધાવવા કે અન્ય પોલીસ કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે. તેનાથી લોકોના સમય અને શ્રમની બચત થશે. તેમણે ખાસ કરીને મોટેરા પોલીસ સ્ટેશનનું મહત્વ સમજાવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં આ પોલીસ સ્ટેશન મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ગુનેગારોમાં કાયદાનો ડર હોવો જોઈએ

હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે, અસામાજિક તત્ત્વો અને ગુનેગારોમાં કાયદાનો કડક ડર હોવો જોઈએ, પરંતુ સામાન્ય અને ગરીબ નાગરિક જ્યારે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન આવે ત્યારે તેની સાથે સન્માનજનક વ્યવહાર થવો જોઈએ. પોલીસકર્મીઓએ તેમની રજૂઆત ધીરજથી સાંભળી ત્વરિત ન્યાય મળે તેવો સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ. આ પ્રસંગે તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની પ્રશંસા કરી હતી. તાજેતરમાં કરોડો રૂપિયાના એમ.ડી. અને હેરોઇન ડ્રગ્સ સાથે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા બદલ પોલીસ ટીમને અભિનંદન આપ્યા હતા. નવરાત્રિ દરમિયાન લાખો ખેલૈયાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા બદલ પણ સમગ્ર પોલીસ બેડાની કામગીરીને બિરદાવી હતી.

જાહેરાત

નાના વેપારીઓને સહયોગ આપવા અપીલ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રીએ પોલીસને અપીલ કરી હતી કે નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને પાથરણાવાળાઓ રાત્રીના સમયે પણ નિર્ભયતાથી વેપાર કરી શકે તે માટે પોલીસ મિત્રભાવથી સહયોગ આપે. સાથે જ નાગરિકોને પણ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને તેમની રોજીરોટીમાં મદદરૂપ થવા વિનંતી કરી હતી. સમારોહમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, સાંસદ હસમુખભાઈ પટેલ, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના લોકપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત