‘વધુ પ્રવાસન સ્થળો, લાંબો રોકાણ સમય અને વધુ ખર્ચ’: ગુજરાત પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે

ગુજરાતને દેશના અગ્રણી પ્રવાસન કેન્દ્ર (Tourism Hub) તરીકે વિકસાવવા રાજ્ય સરકારે નવી રણનીતિ તૈયાર કરી છે. હવે પ્રવાસનનો વિકાસ માત્ર ધાર્મિક સ્થળો કે નવરાત્રિ અને શિવરાત્રિ જેવા તહેવારો પૂરતો મર્યાદિત નહીં રહે. રાજ્ય સરકારનો હેતુ વધુ પ્રવાસીઓને આકર્ષવા, તેમને લાંબો સમય રોકાવા પ્રોત્સાહિત કરવા અને પ્રવાસન પાછળનો ખર્ચ (Tourist Spending) વધારવાનો છે. ગુજરાત ટૂરિઝમના સચિવ કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે રાજ્યમાં હેરિટેજ, આધ્યાત્મિક, વાઇલ્ડલાઇફ, કોસ્ટલ અને બિઝનેસ ટૂરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે. આર્યના જણાવ્યા મુજબ, સતત રોકાણ (Investment), માળખાકીય સુવિધાઓ (Infrastructure), સ્થળ વિકાસ અને પ્રવાસનના નવા અનુભવોને કારણે ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે. રાજ્યમાં દર વર્ષે 300થી વધુ મેળા અને ઉત્સવો યોજાય છે. રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, નવરાત્રિ અને માધવપુર ઘેડ મેળાએ ગુજરાતની આગવી ઓળખ ઊભી કરી છે.
આ સ્થળો બનશે પ્રવાસન વિકાસનાં કેન્દ્રો
રાજ્ય સરકારે વડનગર, મોકરસાગર, ધરોઈ, શિવરાજપુર, ધોળાવીરા, લોથલ અને કોરી ક્રીકને પ્રાથમિકતા ધરાવતા પ્રવાસન સ્થળો તરીકે ઓળખ્યાં છે. વડનગરમાં હેરિટેજ અને એક્વા-સ્ક્રીન અનુભવ, મોઢેરા સૂર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા આકર્ષણો વિકસાવવામાં આવી રહ્યાં છે. કચ્છનું ધોળાવીરા અને અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ હડપ્પીય સંસ્કૃતિના ઐતિહાસિક વારસા માટે જાણીતાં છે. શિવરાજપુર બીચને પણ વધુ વિકસાવવાની યોજના છે. સરકાર હોટેલ, રિસોર્ટ, એડવેન્ચર પ્રવૃત્તિઓ, કારવાં ટૂરિઝમ, કેમ્પિંગ અને ગ્લેમ્પિંગમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા માગે છે.
પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
ગુજરાત ટૂરિઝમ વિભાગના આંકડા મુજબ, 2025માં રાજ્યમાં 2,204 લાખ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 23.4 લાખ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 2024માં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 1,840 લાખ હતી. વર્ષ 2026ના જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન અંબાજીમાં 197.27 લાખ, દ્વારકામાં 151.74 લાખ, સોમનાથમાં 129.16 લાખ અને પાવાગઢમાં 108.1 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. રાજ્યના પ્રવાસન બજેટ માટે વર્ષ 2026-27માં ₹3,090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય હવે માત્ર પ્રવાસન સ્થળો વિકસાવવાનો નહીં, પરંતુ પ્રવાસીઓને વધુ અનુભવો આપીને ગુજરાતમાં લાંબો સમય રોકાવા પ્રેરિત કરવાનો છે.














