Video: અમદાવાદમાં EWSના 434 આવાસ માટે ફરી ડ્રો યોજાશે. અગાઉના લાભાર્થીઓએ નાણાં નહીં ચૂકવતા કે પુરાવા નહીં રજૂ કરતા ફાળવણી રદ કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઈડબલ્યુએસ આવાસ યોજનામાં ખાલી પડેલા 434 મકાનો માટે હવે ફરીથી ડ્રો યોજવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અગાઉ ફાળવણી થયેલા કેટલાક લાભાર્થીઓ નિયત સમયમર્યાદામાં રકમ ન ભરી શકતા અથવા જરૂરી પુરાવા રજૂ ન કરી શકતા તેમની ફાળવણી રદ કરવામાં આવી હતી, જેના કારણે આ મકાનો ખાલી પડ્યા છે. થલતેજ, સોલા, ગોતા અને ચાંદખેડા સહિતની કુલ 18 આવાસ યોજનાઓ આ ડ્રોમાં સામેલ કરવામાં આવી છે. આ 434 મકાનોમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 216 અને ઉત્તર ઝોનમાં 168 મકાનોનો સમાવેશ થાય છે. મ્યુનિસિપાલિટી દ્વારા પ્રત્યેક મકાનની કિંમત 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને 7500 રૂપિયાની ડિપોઝીટ સાથે અરજીઓ મંગાવવામાં આવી છે. ડ્રો થયા બાદ લાભાર્થીએ 3 મહિનામાં 20 ટકા રકમ અને બાકીની 80 ટકા રકમ 1 વર્ષમાં 10 હપ્તામાં ભરવાની રહેશે. નિયમ મુજબ અરજદાર કે તેના પરિવારના મુખ્ય સભ્ય પાસે ક્યાંય પાકું મકાન કે જમીનનો પ્લોટ ન હોવો જોઈએ. હવે જોવાનું એ રહે છે કે આ આવાસો માટે તંત્રને કેટલા ફોર્મ મળે છે.













