મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આજે થર્ટી ફર્સ્ટ: અમદાવાદમાં 35થી વધુ ડાન્સ પાર્ટી; 9 હજાર જેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત 

વર્ષ 2024ને વિદાય આપી નવા વર્ષ 2025ને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. 'વેલકમ 2025'ના સૂત્ર સ

આજે થર્ટી ફર્સ્ટ: અમદાવાદમાં 35થી વધુ ડાન્સ પાર્ટી; 9 હજાર જેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત 

વર્ષ 2024ને વિદાય આપી નવા વર્ષ 2025ને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. 'વેલકમ 2025'ના સૂત્ર સાથે યુવાઓ વર્ષની અંતિમ રાત્રિનો આનંદ માણવા તૈયારીમાં લાગી પડ્યાં છે. જોકે, હવે ગાંધીનું ગુજરાત હવે પશ્ચિમ સંસ્કૃતિના રંગે રંગાઇ ચૂક્યું છે ત્યારે વિદેશમાં થતી પાર્ટીને ટક્કર મારે એવી પાર્ટી હવે ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદમાં થઇ રહી છે.

ગુજરાતમાં પણ ગોવાની જેમ નાઇટ પાર્ટીનું ચલણ

ગુજરાતમાં પણ ગોવાની જેમ નાઇટ પાર્ટીનું ચલણ વધ્યું છે. સ્ટાર હોટલ-ક્લબમાં યોજાતી પાર્ટી કરતાંય હવે ગુજરાતી યુવાઓ ધ ટેકનો પાર્ટી પાછળ દીવાના બન્યાં છે. અંધારામાં ડિમ લાઇટ, ટેકનો મ્યુઝિકની તાલે મસ્તીભર્યા માહોલમાં 'ટેકનો પાર્ટી'માં વર્ષની અંતિમ રાત્રિની મઝા માણવા યુવા બેતાબ બન્યાં છે.

અમદાવાદમાં 35થી વધુ ડાન્સ પાર્ટી

અમદાવાદમાં આજે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટલો મળીને 35થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં સાયલન્ટ ડિસ્કો, નિયોન નાઇટ સહિતની વિવિધ થીમ બેઝ્ડ ડાન્સ પાર્ટીનો સમાવેશ થાય છે. અનેક ડાન્સ પાર્ટીમાં ડિનર સહિતના આયોજનો છે.

વિવિધ જગ્યાએ પાર્ટીનું આયોજન

નવા વર્ષના આગમનના પગલે અમદાવાદ શહેરની સ્ટાર હોટલ અને ક્લબમાં વિવિધ થીમ આધારિત થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, મુંબઇથી જ નહીં, કઝાકસ્તાનથી ડાન્સરો અમદાવાદ આવી પહોંચી છે. આ પાર્ટીમાં ગઝલ, ક્વીઝથી માંડી ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે થીમ બેઝ પાર્ટી કરતા ટેકનો પાર્ટીની ડિમાન્ડ છે. EDM (ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) મ્યુઝિકની ધુન સાથે કેફેમાં યોજાતી ટેકનો પાર્ટી યુવાઓની પહેલી પસંદ છે.

અત્યારે ટેકનો પાર્ટીનું ચલણ વધ્યું છે. દર શનિ અને રવિવારે આ પાર્ટી યોજાઇ રહી છે. મુંબઇ-દિલ્હીની ખાસ ઇવેન્ટ કંપનીઓ આ ટેકનો પાર્ટીનું આયોજન કરે છે. આ વખતે નવા વર્ષની ઉજવણી માટે ટેકનો પાર્ટીમાં મદમસ્ત માહોલમાં મોજ માણવા યુવાઓ બેતાબ બન્યાં છે. મુંબઇ-દિલ્હીથી ટેકનો પાર્ટીમાં મ્યુઝિક પ્લેયર, આવતાં હોય છે.

અમદાવાદમાં એસજી હાઇવે, શીલજ,બોપલ, સરખેજ હાઇવે સહિત અન્ય સ્થળોએ આવેલા કેફેમાં ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેકનો પાર્ટીનો 9 હજાર સુધીનો પાસ

રાત્રે 8થી 12 વાગ્યા સુધી યોજાતી પાર્ટીમાં અંધારાની તક લઇ ઘણાં ડ્રગ્સનો નશો માણી લેતાં હોય છે. એટલે જ ડ્રગ્સ રસિયાઓની પસંદ રહી છે. ટેકનો પાર્ટી રૂપિયા 500થી માંડી 9 હજાર સુધી પાસનો ભાવ છે. ઉલ્લેખનીય છે કે, થોડા વખત અગાઉ ગિફ્ટ સિટીમં ટેકનો પાર્ટી યોજાઇ હતી ત્યારે ડ્રગ્સ રસિયા ઝૂમ્યા હતાં જે મુદ્દે રાજકીય પક્ષોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ અને વડોદરામાં 31stની ઉજવણી વચ્ચે પોલીસનો ખાસ એક્શન પ્લાન, એક પણ નશેડીને છોડવામાં નહીં આવે

નવા વર્ષની ઉજવણી દરમિયાન 9 હજાર પોલીસ કર્મી તૈનાત રહેશે

31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવાર સાંજથી જ બંદોબસ્તમાં ગોઠવાશે. પોલીસ 2500 જેટલા બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર, સ્પીડ ગન તેમજ 78 જેટલા હોક બાઇકની મદદથી કામગીરી કરવામાં આવશે.

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન અનિચ્છનીય ઘટનાઓ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નવ હજાર જેટલા પોલીસ સ્ટાફ તૈનાત રહેશે જેમાં પાંચ JCP, 13 DCP, 24 ACP, 115 પોલીસ ઇન્સ્પેક્ટર, 225 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 4500 પોલીસ કોન્સ્ટેબલ, SRPને બે કંપની અને 3100 હોમ ગાર્ડ્સના જવાનોનો સમાવેશ થાય છે.

શહેરમાં એન્ટ્રી અને એક્ઝીટના 145 પોઇન્ટ પર નાકાબંધી કરીને વાહન ચેકિંગની કામગીરી કરાશે. આ સાથે નવ ક્વીક રિસ્પોન્સ ટીમ, 24 ક્રેન, 2500 બોડી વોર્ન કેમેરા, બીડીડીએસની ચાર ટીમ, 29 સ્પીડ ગન તેમજ 203 જેટલા બ્રેથએનાલાઇઝરની મદદથી પોલીસની ટીમ કામગીરી કરશે.

આ સમાચાર શેર કરો