અમદાવાદમાં મોડી રાત્રે ભીષણ આગ: ચોકલેટ ફેક્ટરીમાં એક શ્રમિકનું મોત, 1 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો

અમદાવાદમાં મોડી રાત્રે ભીષણ આગ: ચોકલેટ ફેક્ટરીમાં એક શ્રમિકનું મોત, 1 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં ચાંગોદર નજીક મટોડા GIDCમાં આગની ઘટના સામે આવી છે. બાવળા-અમદાવાદ રોડ પર આવેલી ચોકલેટ ફેક્ટરીમાં 6 નવેમ્બર (શુક્રવાર) 2026ના રોજ રાત્રે અંદાજે 9.20 કલાકે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તનું મોત નીપજ્યું છે. ફાયર વિભાગે લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

1 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, મટોડા GIDCમાં આવેલી ચોકલેટ બનાવતી કંપનીમાં રાત્રે અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીમાંથી આગના ધુમાડાના કાળા ગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આગની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરાઈ હતી. આખરે 3 કલાક સુધી એક લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ભીષણ આગમાં એક શ્રમિકનું મોત

આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 35 થી 40 જેટલા કર્મચારીઓ હાજર હોવાથી ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા કુલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એક શ્રમિકનો સંપૂર્ણ બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક શ્રમિક મધ્ય પ્રદેશનો વતની હોવાની માહિતી સામે આવી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આખો પ્લાન્ટ આગની ચપેટમાં, લાખોના નુકસાનની આશંકા

આ ભયાનક આગમાં લાખો રૂપિયાની મશીનરી, કાચો માલ અને ફેક્ટરીનું માળખું બળીને ખાખ થઈ ગયું છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કંપનીના સત્તાધીશો પાસેથી ફાયર NOC અને ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોના વર્કિંગ સ્ટેટસનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. જો સુરક્ષાના નિયમોમાં બેદરકારી સામે આવશે તો કંપની મેનેજમેન્ટ સામે કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત