અમદાવાદમાં ‘માણેક ટુ માણેક હેરિટેજ વૉક’: પરંપરાગત વેશભૂષામાં નગરજનોએ માણ્યો ઐતિહાસિક વારસો

અમદાવાદમાં ‘માણેક ટુ માણેક હેરિટેજ વૉક’: પરંપરાગત વેશભૂષામાં નગરજનોએ માણ્યો ઐતિહાસિક વારસો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને ભવ્ય સ્થાપત્યથી નગરજનોને પરિચિત કરાવવાના હેતુથી શનિવારે વહેલી સવારે ‘માણેક ટુ માણેક હેરિટેજ વૉક’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા યોજાયેલી આ વૉકમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમમાં સહભાગીઓએ પરંપરાગત ગુજરાતી વેશભૂષા ધારણ કરીને શહેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. સમગ્ર વૉક દરમિયાન અમદાવાદની સંસ્કૃતિ, સ્થાપત્ય અને ઐતિહાસિક ધરોહરની ઝલક જોવા મળી હતી.

માણેક બુરજથી માણેકચોક સુધી 2 કિમીની સફર

હેરિટેજ વૉકનો પ્રારંભ સવારે 6:30 કલાકે માણેક બુરજ ખાતેથી થયો હતો. આશરે 2 કિલોમીટરના આ રૂટમાં સહભાગીઓએ શહેરનાં અનેક ઐતિહાસિક અને સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. આ સફર દરમિયાન એલિસબ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, જૂની જામા મસ્જિદ, સિદ્દીક કોટવાલની કબર, ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો સહિતનાં સ્થળો આવરી લેવામાં આવ્યાં હતાં. અંતે આ હેરિટેજ વૉક અમદાવાદના ધબકતા વેપારી કેન્દ્ર માણેકચોક ખાતે પૂર્ણ થઈ હતી.

જાહેરાત

પરંપરાગત ગુજરાતી વેશભૂષાએ વધારી શોભા

આ હેરિટેજ વૉકનું ખાસ આકર્ષણ સહભાગીઓની પરંપરાગત ગુજરાતી વેશભૂષા રહી હતી. નગરજનો રંગબેરંગી પરંપરાગત પોશાકમાં જોડાતાં સમગ્ર વાતાવરણ હેરિટેજના રંગે રંગાયું હતું. વૉક દરમિયાન નિષ્ણાતોએ વિવિધ સ્મારકોના ઇતિહાસ, સ્થાપત્યની વિશેષતાઓ અને અમદાવાદની આગવી શહેરી સંસ્કૃતિ વિશે સહભાગીઓને રસપ્રદ માહિતી આપી હતી. જેના કારણે નગરજનોને શહેરના ઐતિહાસિક વારસાને નજીકથી જાણવાની તક મળી હતી.

નવી પેઢીને વારસા સાથે જોડવાનો પ્રયાસ

આયોજકોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ગૌરવશાળી ભૂતકાળથી નવી પેઢીને પરિચિત કરાવવી અને શહેરની ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આવા આયોજન દ્વારા નગરજનોમાં પોતાના શહેરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત