અમદાવાદમાં નકલી પોલીસનો આતંક: ગાંજા અને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી બે મિત્રો પાસેથી ₹9 હજાર પડાવ્યા

શહેરમાં નકલી પોલીસ બનીને લોકોને લૂંટવાની ઘટના સામે આવી છે. સરસપુર ચાર રસ્તા પાસે બે ગઠિયાઓએ પોલીસકર્મી હોવાની ખોટી ઓળખ આપીને બે મિત્રો પાસે ગાંજો રાખવા અને દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તલાશીના બહાને બંને મિત્રોના ખિસ્સામાંથી કુલ ₹9,000 રોકડા પડાવી આરોપીઓ ઓટોરિક્ષામાં ફરાર થઈ ગયા હતા. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દુકાન બહાર બેઠેલા બે મિત્રોને બનાવ્યા નિશાન
પોલીસના જણાવ્યા અનુસાર, સરસપુરમાં રહેતા 60 વર્ષીય મનીષકુમાર જાની વ્યવસાયે ઓટોરિક્ષા ચાલક છે. તેઓ રાત્રિભોજન બાદ પોતાના મિત્ર મહેન્દ્ર પોમલા સાથે મહાવીર એસેન્સ નજીક આવેલી એક દુકાનની બહાર બેઠા હતા. આ દરમિયાન એક ઓટોરિક્ષામાં બે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. રિક્ષામાંથી એક શખ્સ નીચે ઉતર્યો હતો અને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે આપીને બંને મિત્રો અહીં શું કરી રહ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ તેણે બંને મિત્રોએ દારૂ પીધો હોવાનો અને તેમની પાસે ગાંજો હોવાનો આક્ષેપ કર્યો હતો.
તલાશીના બહાને ખિસ્સામાંથી રોકડ કાઢી
નકલી પોલીસકર્મીએ બંને મિત્રોને ગાંજો રાખવા અને દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ તલાશી લેવાના બહાને મનીષકુમાર જાનીના ખિસ્સામાંથી ₹5,000 અને તેમના મિત્ર મહેન્દ્ર પોમલાના ખિસ્સામાંથી ₹4,000 કાઢી લીધા હતા. આટલું જ નહીં, ગઠિયાઓએ બંને મિત્રોને જણાવ્યું હતું કે પોલીસની ગાડી આવી રહી છે અને તેમને પોલીસ ચોકીએ જવું પડશે. જોકે, બંનેને પોતાની સાથે લઈ જવાને બદલે રોકડ રકમ લઈને બંને શખ્સો ઓટોરિક્ષામાં બેસી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
112 પર ફોન કરી પોલીસને જાણ કરી
થોડા સમય બાદ બંને મિત્રોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. બંનેએ તાત્કાલિક 112 ઈમરજન્સી હેલ્પલાઈન પર ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મિત્રોએ શહેરકોટડા પોલીસ સ્ટેશન જઈને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને નકલી પોલીસ બનીને રોકડ રકમ પડાવી ફરાર થયેલા બંને આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.











