ઊંઝાના વેપારી પરિવારે ગોઠવ્યું રિવર્સ ટ્રેપ, ₹40 લાખની નકલી નોટો પધરાવતી ગેંગના બે શખ્સો ઝડપાયા

નકલી નોટો દ્વારા ₹40 લાખની છેતરપિંડીનો ભોગ બનેલા ઊંઝાના વેપારી પરિવારે હિંમત હારવાને બદલે આરોપીઓને જ પકડાવવા માટે અનોખું છટકું ગોઠવ્યું હતું. પરિવારની આ વ્યૂહરચનાના કારણે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી નકલી નોટો સાથે બે શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપીઓ પાસેથી ₹500ના દરની કુલ 1,666 નકલી નોટો મળી આવી છે. આ નોટો પર 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'ને બદલે 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' અને 'ભારતીય મનોરંજન બેંક' લખેલું હતું. ઘાટલોડિયા પોલીસે ઝડપાયેલા આરોપીઓની ઓળખ નવી દિલ્હીના રાહુલ ઠાકુર (23) અને રાજસ્થાનના બિકાનેરના માલચંદ શર્મા (30) તરીકે કરી છે. પોલીસે તેમની પાસેથી નકલી નોટો ઉપરાંત બે મોબાઈલ ફોન અને ઓળખપત્રો પણ જપ્ત કર્યા છે. આ કેસમાં ગેંગના અન્ય મુખ્ય સૂત્રધારોની શોધખોળ ચાલી રહી છે.
₹40 લાખના પેમેન્ટમાં મળી નકલી નોટો
પોલીસ ફરિયાદ મુજબ, ઊંઝામાં જીરું અને વરિયાળીની ટ્રેડિંગ પેઢી ચલાવતા રોહિત પટેલને નાગપુરના એક ખરીદદાર પાસેથી ₹40 લાખનું પેમેન્ટ મળવાનું હતું. 16 નવેમ્બરના રોજ હિતેશ કેશવાની નામના શખ્સે પરિવારનો સંપર્ક કરીને ઓનલાઈન આંગડિયા સર્વિસ મારફતે પેમેન્ટની વ્યવસ્થા થઈ હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ઊંઝા શાકમાર્કેટમાં મિલન થિયેટર પાસે પરિવારના સભ્યને પૈસા લેવા બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બે શખ્સો ₹5-5 લાખના આઠ બંડલ ભરેલી બેગ આપી ગયા હતા. બંડલો પર ICICI બેંકનાં લેબલ અને પટ્ટીઓ લગાવવામાં આવી હોવાથી શરૂઆતમાં તે અસલી નોટો જેવા લાગ્યા હતા. જોકે, ઘરે પહોંચીને પરિવારના સભ્ય અને એકાઉન્ટન્ટે નોટોની તપાસ કરતાં તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું. આ રીતે પરિવાર સાથે ₹40 લાખની છેતરપિંડી થઈ હતી.
વેપારી પરિવારે ગોઠવ્યું વળતું છટકું
છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પરિવારે આરોપીઓને પકડાવવા માટે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું. પરિવારે પોતાના પરિચિત મારફતે નાગપુરના ખરીદદારનો ફરી સંપર્ક કરાવ્યો અને લાખો રૂપિયાનો બીજો સોદો નક્કી કર્યો હતો. આ વખતે પેમેન્ટ અમદાવાદમાં રિકેન પટેલના પિતા નરેન્દ્ર પટેલને પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુરુવારે નરેન્દ્ર પટેલને ધનરાજ નામના શખ્સનો વોટ્સએપ કોલ આવ્યો હતો. તેણે પેમેન્ટ લઈને પહોંચી ગયો હોવાનું જણાવ્યું હતું. અગાઉથી જ પરિવાર દ્વારા ઘાટલોડિયા પોલીસને જાણ કરવામાં આવી હોવાથી પીએસઆઈ એચ.ડી. જોશીની ટીમે પારસનગર પેટ્રોલ પંપ પાસે છટકું ગોઠવ્યું હતું. પેમેન્ટ આપવા આવેલા બંને શખ્સોએ બંડલો બતાવતાં જ ફરિયાદીએ પોલીસને ઈશારો કર્યો હતો. પોલીસે તાત્કાલિક બંનેને ઘેરીને ઝડપી પાડ્યા હતા.
₹5,000ની લાલચમાં દિલ્હીથી લાવ્યા હતા નકલી નોટો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માલચંદ શર્માએ જણાવ્યું હતું કે નોઈડામાં રહેતા તેના ભાઈ ગજાનન શર્માએ તેની મુલાકાત ધનરાજ સાથે કરાવી હતી. ધનરાજની સૂચનાથી બંને આરોપીઓ બુધવારે દિલ્હીના ખીચડીપુર રેલવે સ્ટેશન પાસે વરુણ નામના શખ્સ પાસેથી નકલી નોટોના બંડલો લઈને આવ્યા હતા. આ બંડલો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પહોંચાડવા બદલ બંનેને પ્રત્યેક ₹5,000 અને રેલવે ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી.
તમામ નોટોનો સીરિયલ નંબર એકસરખો
પોલીસે જપ્ત કરેલી 1,666 નકલી નોટો 17 બંડલમાં પેક કરવામાં આવી હતી. દરેક બંડલ પર ICICI બેંકની સ્લિપ લગાવવામાં આવી હતી અને તેમાં 98 નોટો હતી. તપાસ દરમિયાન તમામ નોટો પર એક જ સીરિયલ નંબર (3CH 915696) હોવાનું પણ સામે આવ્યું હતું. હાલમાં પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધારો ગજાનન, ધનરાજ અને વરુણને પકડવા માટે તપાસ તેજ કરી છે. આ ટોળકીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ પણ આવી રીતે કેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.












