નરસિંહજીના વરઘોડાના હોર્ડિંગ્સ લગાવવા મુદ્દે વિવાદ, વિધાનસભાના દંડકની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો

ભગવાન નરસિંહજીના વરઘોડા માટે શુભેચ્છા આપતા હોર્ડિંગ્સ લગાવ્યા બાદ તુરંત પાલિકા દ્વારા એને હટાવી લેવામાં આવતા હોવા મામલે ચૂંટાયેલી પાંખ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો. આખરે વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લએ દરમિયાનગીરી કરી મામલો થારે પાડ્યો હતો.
ભગવાન નરસિંહજીના વરઘોડાનું આયોજન મંદિર તથા સ્થાનિક મંડળો દ્વારા પ્રતિ વર્ષ કરવામાં આવતું હોય છે. જેમાં તેઓ દ્વારા ભગવાન નરસિંહજીના વરઘોડાને આવકારતા હોર્ડિંગ્સ લગાવતા હોય છે. ગત વર્ષે ચાલુ વરઘોડા દરમિયાન કોર્પોરેશને શુભેચ્છા આપતા હોર્ડિંગ્સ ઉતારી દેતા વિવાદ થયો છે. આ વર્ષે એવો વિવાદ ન થાય તે માટે સ્થાનિક કોર્પોરેટર દિપીકાબેને પાલિકાના અધિકારી સુરેશ તુવરને જણાવ્યું હતું કે, તેઓ નરસિંહ ભગવાનના વરઘોડાની નગરજનોને શુભેચ્છા આપતા હોર્ડિંગ્સ લગાડશે. જે સામે અધિકારીએ જણાવ્યું હતું કે, તમે રાત્રે હોર્ડિંગ્સ લગાવો એટલે અમે સવારે હટાવી લઈશું. જે બાદ આ મામલે કાઉન્સિલરે અહીંના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લને કરી હતી. રાત્રિના સમયે બાળુ શુક્લ ચાર દરવાજા વિસ્તારમાં પહોંચ્યા હતા અને આ મામલે ફોન પર અધિકારી સાથે ચર્ચા કરી હતી. તેમણે અધિકારીને એમ પણ જણાવ્યું હતું કે, હોર્ડિંગ્સ લગાવવાની કમિશનર ના પાડતા હોય તો હું તેમની સાથે વાત કરી લઉ. આખરે અધિકારીએ આ મામલે હોર્ડિંગ્સ નહીં ઉતારવાની મૌખિક ખાતરી ઉચ્ચારતા ધારાસભ્યના કહ્યા બાદ ભગવાન નરસિંહજીના વરઘોડાને આવકારતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના મામલે પ્રતિક્રિયા આપતા બાળુ શુક્લએ જણાવ્યું હતું કે, છેલ્લા 289 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉત્સાહપૂર્વક શહેરીજનો વરઘોડામાં જોડાતા હોય છે અને આ માટે વિદેશમાં સ્થાયી થયેલા વડોદરાવાસીઓ પણ આવતા હોય છે. જે રીતે પાલિકાના અધિકારી તુવેરની વાત છે ત્યાં સુધી હું માનું છું કે આ નિવેદન તેમની બુદ્ધિનું નથી. આખા વર્ષ દરમિયાન શહેરભરમાં હોર્ડિંગ્સ લાગતા હોય છે ત્યારે તેને કોઈ હટાવતું નથી પરંતુ ધાર્મિક કાર્યક્રમમાં આવું ન થવું જોઈએ અને ભવિષ્યમાં પણ નહીં થાય તેવું વલણ પાલિકા અપનાવશે તેવી મને ખાત્રી છે.
પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું કે આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અંગે કોર્પોરેશન ધ્યાન આપતું નથી અને ભગવાન નરસિંહજીના વરઘોડાના અંગે હોર્ડિંગ્સ લગાવવા દેતા નથી કે યોગ્ય બાબત નથી.







