સાબરમતી-જેસલમેર ટ્રેનના રૂટમાં મોટો ફેરફાર, 23 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી બદલાયેલા માર્ગે દોડશે ટ્રેન

રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરમતીથી જેસલમેર વચ્ચે મુસાફરી કરતા મુસાફરોએ આગામી દિવસોમાં ટ્રેનના બદલાયેલા રૂટનું ધ્યાન રાખવું પડશે. ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ડબલિંગના કાર્યના કમિશનિંગને પગલે ટ્રેન નંબર 20486 અને 20485ના માર્ગમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લૂણી-સમદડી-ભીલડી રેલખંડ પર સતલાણા, ડૂડિયા અને ડુંડારા સ્ટેશનો વચ્ચે ડબલિંગની કામગીરીના કમિશનિંગને કારણે આ નિર્ણય લેવાયો છે. જેના પગલે 23 નવેમ્બર 2026થી 20 ડિસેમ્બર 2026 સુધી સાબરમતી-જેસલમેર અને જેસલમેર-સાબરમતી ટ્રેન પરિવર્તિત માર્ગે દોડશે.
હાલમાં આ ટ્રેનો મહેસાણા-ભીલડી-લૂણી રૂટ પરથી પસાર થાય છે. જોકે, નિર્ધારિત સમયગાળા દરમિયાન હવે ટ્રેનો મહેસાણા-પાલનપુર-મારવાડ જંક્શન-લૂણી થઈને દોડશે.
આ ફેરફાર બંને દિશામાં લાગુ રહેશે. જેથી આ ટ્રેનમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા મુસાફરોએ ખાસ નોંધ લેવી જરૂરી છે.
રેલવેના ડબલિંગના કામને કારણે થયેલા આ રૂટ ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરોએ મુસાફરી પહેલાં ટ્રેનની વિગતો અવશ્ય ચકાસવી.













