Ahmedabad news: ગાંજો, દારુ બાદ હત્યાના બનાવે સ્થાનિક પોલીસની ગુનેગારો સાથેના સુંવાળા સંબંધોની ખોલી પોલ

નારોલ વિસ્તારમાં ગાંજો,દારુ અને જુગારના અનેક દરોડા બાદ હવે હત્યાનો બનાવ સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી પર શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી જાણે કે નારોલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા હોય તેવા બનાવો સામે આવી ચુક્યા છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જ્યાં હદ પૂરી થાય છે, તેવા નારોલ વિસ્તારમાં દારૂ જુગારની હાટડીઓ તથા ગાંજાની હેરાફેરી કરતા શખ્સોની અન્ય એજન્સીએ ધરપકડ કરતા જ સ્થાનિક પોલીસની ગુનેગારો સાથેના સુંવાળા સંબંધોની પોલ છતી થઈ ગઈ છે. તેવામાં શનિવારની રાતે નારોલના બાગે કૌશર વિસ્તારમાં જમાઈએ સસરાની કરેલી હત્યાના બનાવ બાદ સિનિયર અધિકારીઓ સ્થાનિક પોલીસ પર લાલઘૂમ થયા છે.
સ્થાનિક પોલીસના નાક નીચે એજન્સીએ દરોડા પાડ્યા
-19 ડિસેમ્બરના રોજ પીસીબીએ નારોલના ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા કુરિયર કંપનીના ગોડાઉનમાં દરોડા પાડીને ભારતીય બનાવટની વિદેશી દારુની 994 બોટલો ઝડપી પાડીને ફરાર ત્રણ આરોપીઓની તપાસ શરુ કરી છે.
-4 ફેબ્રુઆરીના રોજ ક્રાઈમ બ્રાંચે નારોલ નજીક રાણીપુર ગામ પાસે સારસ્વત પાર્સલ સર્વિસના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં 1338 નંગ વિદેશી દારુની બોટલો સાથે એક આરોપી ઝડપ્યો હતો.
-8 ફેબ્રુઆરીના રોજ પીસીબીએ અસલાલી સર્કલ પહેલા આવેલા સાઈનાથ પાર્કિંગ એન્ડ વોશિંગ પાસેથી હિમાચલ પ્રદેશના પાર્સીંગની ગાડીમાં હેલ્મેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુની 10749 નંગ બોટલો જપ્ત કરવામાં આવી હતી અને એક આરોપીની ધરપકડ કરાઈ હતી.
-13 ફેબ્રુઆરીના રોજ ડુંગળીની આડમાં લવાયેલો 406 કિલો ગાંજા પકડી પાડવામાં આવ્યો હતો.

