Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : If you want to avoid cheating, read these 4 cases of cheating

જો છેતરપિંડીથી બચવું હોય તો ચીટિંગના આ 4 કિસ્સા વાંચજો, તમે પણ માથું ખંજવાળતા થઈ જશો!

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2024
લાઇવ ટીવીGoogle News
જો છેતરપિંડીથી બચવું હોય તો ચીટિંગના આ 4 કિસ્સા વાંચજો, તમે પણ માથું ખંજવાળતા થઈ જશો!

ઠગાઈ કરનારાંઓ ક્યારે અને કયા સ્વરૂપે આવે તે નક્કી રહેતું નથી. ગુજરાતમાં ગત ચાલુ વર્ષે જ દોઢ લાખ ફરિયાદો નોંધાઈ ચૂકી છે ત્યારે તમારે છેતરાવું ન હોય તો ચિટિંગની આ ચાર ફરિયાદો અચૂક જ વાંચી જજો. વેપારી સાથે ડેબિટ કાર્ડ અપાવવાના બહાને 5.99 લાખની છેતરપિંડી કરવામાં આવી. તો, રામોલના વેપારીને મની લોન્ડરિંગનો અને કૃષ્ણનગરની મહિલાને તેમના ફોનનો દુરૂપયોગ થતો હોવાનો ભય બતાવીને છેતરવામાં આવ્યાં. તો, વાસણાની યુવતીને વિદેશી દોસ્ત બનીને ચૂનો ચોપડવામાં આવ્યો હતો. છેતરાયાનો અહેસાસ થાય તો શરમ છોડીને ફરિયાદ નોંધાવવી અને પરિવાર, મિત્રોને વાત કરવી એ ઈ-ચિટર્સ સામેની સામાજીક જાગૃતતા જ છે.

App Store

વાસણાના વેપારીના નામે ડેબિટ કાર્ડ મેળવી 5.99 લાખ સેરવી લીધાં

વાસણામાં રહેતા વેપારી જયેશભાઈ હિંમતલાલ દેસાઈએ પાંચ વર્ષ અગાઉ પે-ટીએમ મશીન પોતાની કરિયાણાની દુકાને લગાવ્યું હતું. આ પે-ટીએમ તેમના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટ સાથે લિન્ક છે. તા. 13ના રોજ તેમની દુકાને બે વ્યક્તિ આવ્યા હતા. પે-ટીએમ કંપનીમાંથી આવ્યા હોવાનું કહીને સાઉન્ડ મશીનની પ્રોસેસ કરવા માટે ડેબિટ કાર્ડ માગ્યું હતું. ડેબિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાના બહાને જયેશભાઈના મોબાઈલ ફોનમાંથી પ્રક્રિયા કરી હતી. વિરેન સુથાર તરીકે પોતાનું નામ આપી અને મોબાઈલ નંબર આપી ગયેલો શખ્સ અઠવાડિયા પછી પરત ફર્યો હતો. ડેબિટ કાર્ડ આવતાં જયેશભાઈએ જાણ કરી હતી કરવાથી આ શખ્સ ફરી દુકાને આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ઉસ્માનપુરામાં મકાન ધરાશાયી, એક શખ્સને કાટમાળમાંથી કાઢી સારવાર અર્થે ખસેડ્યો

પે-ટીએમની એક રૂપિયાની સ્કીમ ચાલુ કરવાની પ્રોસેસનું નાટક કરી જયેશભાઈના મોબાઈલ ફોનને એરોપ્લેન મોડ ઉપર રાખી આ શખ્સ જતો રહ્યો હતો. રાત્રે જયેશભાઈના પુત્રએ ફોનમાં બેન્કની એપ્લિકેશન ખોલી તપાસ કરતાં બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી 4.99 લાખ અને એક લાખના બે ટ્રાન્ઝેક્શન થયાનું જણાયું હતું. પે-ટીએમ કંપનીના બહાને કુલ 5.99 લાખના બે ટ્રાન્ઝેક્શન કરી ગઠિયા છેતરી જતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે.

અમેરિકન તરીકે દોસ્તી કરી મદદના બહાને રૂ. પાંચ લાખની છેતરપિંડી

વાસણામાં જ રહેતા શિતલબહેન કાનાભાઈ ગોરાણિયા ઘરેથી જ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. માર્ચ-2024માં શિતલબહેને ઈન્સ્ટાગ્રામ ઉપર એક ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વિકારી તે શખ્સે પોતાનો વોટ્‌સ-એપ નંબર આપ્યો હતો. યુ.એસ.નો વતની અને લશ સ્ટીવન નામ હોવાનું કહી આ શખ્સે વોટ્‌સ-એપ ઉપર શિતલબહેન સાથે ચેટિંગ કરી મિત્રતા કેળવી હતી. હીથ્રો એરપોર્ટ ઉપર પોતે કેપ્ટન પાઈલટ હોવાનું કહેનાર શખ્સે અસ્થમાથી પિડાતી પોતાની માતાનું મૃત્યુ નિપજ્યું છે, પોતાનું હેલ્થ કાર્ડ એક્સપાયર થયું છે તે રિન્યુ કરાવવા, શિકાગો અને વોશિંગ્ટન ગયો છે ત્યાં લગેજ ચાર્જ, ટેક્સી ટ્રેન ટિકિટ સહિતના બહાના કરીને શિતલબહેન પાસેથી કુલ 5.04 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ભરપાઈ કરાવ્યાં હતાં. મદદ માગીને 12 ખાતામાં પાંચ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવીને ઈ-ચિટરે છેતરપિંડી કરતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

તમારા ફોનનો ગેરકાયદે ઉપયોગ મહિલાને 2.99 લાખ ચૂનો ચોપડ્યો

કૃષ્ણનગરમાં રહેતા ચૈતાલીબહેન નિસર્ગભાઈ શાહ એલ.આઈ.સી. એજન્ટ છે. 27 નવેમ્બરે બપોરે ટ્રાઈની કોલર ટ્યૂન સાથે આવેલા ફોનથી ચિમકી અપાઈ હતી કે, તમારા ફોનનો ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે અને બે કલાકમાં કપાઈ જશે. ફોન બંધ ન થવા દેવા 1 નંબર દબાવવા કહેવાયું હતું. 1 નંબર દબાવ્યા પછી ચેતાલીબહેનને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપ્યા પછી સીબીઆઈનો બનાવટી લેટર, ઈડીનું એરેસ્ટ વોરન્ટ અને સંપતિ કબજે કરવાનું વોરંટ, રિઝર્વ બેન્કના લેટર મોકલીને કુલ 2.99 લાખ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ભરાવડાવાયા હતા. 10 રાજ્યમાં ગુના આચર્યા છે તેમ કહી ડરાવીને ચૈતાલીબહેનને ડીજીટર એરેસ્ટ કરી તા. 27થી 29 નવેમ્બર દરમિયાન કુલ 2.99 લાખ પડાવી લીધાની ફરિયાદ ક્રિષ્નનગર પોલીસમાં નોંધાવાઈ છે.

રામોલના વેપારીને મની લોન્ડરિંગનો ડર બતાવી દોઢ લાખ પડાવ્યા

રામોલમાં રહેતા મિતેષ હરેશભાઈ ઠક્કર બિસ્કીટની એજન્સી ધરાવે છે. 11 ડિસેમ્બરના રોજ અજાણ્યા નંબરથી લખનૌ ટેલિફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે વાતચિત કરીને મિતેષભાઈને તેમના નામે જીઓ કંપનીનો એક નંબર એક્ટિવેટ થયાની જાણકારી અપાઈ હતી. બનાવટી નંબર તમારા નામે એક્ટિવ કરી 450 કરોડનું મની લોન્ડરિંગ જેવું ફ્રોડ કરાયાનું અને ડ્રગ્સના બે થેલા પકડાયા હોવાનું કહી મિતેષભાઈને ડરાવી દેવાયા હતા. પોલીસ અધિકારી, એનફોર્સમેન્ટ સહિતના સરકારી તંત્ર અધિકારીની ઓળખ અને ડર બતાવીને સાયબર ગઠિયાઓએ દોઢ લાખ પડાવ્યા હતા. જો કે, મિતેષભાઈએ પરિવારને વાત કરતાં છેતરપિંડી થયાની જણાવી ચેતવતાં રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.